પરિવારમાં ઊંચા કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસનો ઇતિહાસ હોય તો ગભરાવાની જરૂર નથી. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સંતુલિત અને પોષક આહાર લેવાથી જિનેટિક (વારસાગત) જોખમની અસર પણ ઘટાડી શકાય છે.
ચેન્નાઈના મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન (MDRF) અને બ્રિટનની યુનિવર્સિટી ઓફ રીડિંગના સંશોધકોએ આ અભ્યાસ કર્યો છે. ભારતમાં હૃદયરોગ, ડાયાબિટીસ અને લોહીમાં ફેટ વધવાની (ડિસલિપિડેમિયા) સમસ્યા ઝડપથી વધી રહી છે ત્યારે આ અભ્યાસ મહત્ત્વનો છે.
અગાઉ ICMR અને MDRFની ઇન્ડિયાબ સિરીઝના એક મોટા રાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લગભગ 87.3 ટકા ભારતીય પુખ્તોમાં ડિસલિપિડેમિયા છે. આ સ્થિતિ હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.
દેશમાં લગભગ 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે, 13.6 કરોડ પ્રી-ડાયાબિટીસના દર્દી છે અને 35.6 કરોડ લોકો ઊંચા બ્લડ પ્રેશરથી પ્રભાવિત છે. સામાન્ય ભારતીય આહારમાંથી મળતી રોજિંદી કેલેરીમાં 62.3 ટકા હિસ્સો કાર્બોહાઈડ્રેટનો હોય છે, જેમાં ઘણી વાર ઓછી ગુણવત્તાવાળા કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે.
નવા અભ્યાસમાં 25થી 80 વર્ષની ઉંમરના 1,020 લોકો (452 પુરુષો અને 568 મહિલાઓ)ને સામેલ કરવામાં આવ્યા હતા. આ સહભાગીઓ ચેન્નાઈ અર્બન રૂરલ એપિડેમિયોલોજી સ્ટડી સાથે જોડાયેલા હતા. સંશોધકોએ TCF7L2 અને FTO નામના બે જિનમાં રહેલા ત્રણ જિનેટિક વેરિઅન્ટ્સ પર ધ્યાન આપ્યું, જેનો સંબંધ અગાઉ પણ ડાયાબિટીસ અને મેટાબોલિક સમસ્યાઓ સાથે જોવા મળ્યો છે.
સહભાગીઓના આહારની ગુણવત્તા ઇન્ડિયન ડાયટ ક્વોલિટી સ્કોર દ્વારા માપવામાં આવી. આ સ્કોરમાં કઠોળ, ફળો, શાકભાજી, દૂધની બનાવટો, સફેદ ચોખા, તેલ અને ફેટ, ઉમેરેલી ખાંડ, ઉમેરેલું મીઠું અને ચિકન-ઇંડા સહિત આઠ પ્રકારના ખાદ્ય સમૂહોને ધ્યાનમાં લેવામાં આવ્યા.
અભ્યાસનું મુખ્ય તારણ એ છે કે જે લોકોનો આહાર ખરાબ હતો તેમાં વધુ જિનેટિક જોખમ ધરાવતા લોકોનું કુલ કોલેસ્ટ્રોલ અને LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) ઓછા જિનેટિક જોખમ ધરાવતા લોકોની તુલનામાં વધારે હતું. પરંતુ જે લોકોનો આહાર મધ્યમ કે સારી ગુણવત્તાવાળો હતો તેમાં આ તફાવત જોવા મળ્યો નહીં. એટલે કે ઊંચા કોલેસ્ટ્રોલનું જિનેટિક જોખમ હોય તોપણ સારો આહાર લેવાથી તેની અસર ઘટે છે.
સંશોધકોના મતે આહાર અને જિન વચ્ચેનો આ સંબંધ કુલ કોલેસ્ટ્રોલ તેમજ LDL માટે આંકડાકીય રીતે મહત્ત્વપૂર્ણ હતો. વધુ જિનેટિક જોખમનો સંબંધ ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ અને HbA1cના ઊંચા સ્તર સાથે પણ જોવા મળ્યો હતો.
નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. આહારમાં ફેરફાર કરતા પહેલા અથવા કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત ઉપાય શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.