ગુજરાતમાં ઇમરજન્સી સેવા 'ડાયલ 112'ના પાયલટો આઉટસોર્સિંગ કંપનીના શોષણ સામે લડી રહ્યા છે. પાયલટોની ફરિયાદ છે કે તેમનો પગાર ઘટાડવામાં આવ્યો છે, તેમને દૂર બદલી કરવામાં આવે છે અને કોઈ પણ કારણ વગર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.
અગાઉ 12 કલાકની ફરજ બદલ લગભગ 14,000 રૂપિયા પગાર મળતો હતો, પરંતુ હવે ફરજ 8 કલાક કરીને પગાર ઘટાડી દેવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનાનો પગાર પણ અનિયમિત મળ્યો છે. જૂનમાં વધુ પગાર જમા કરીને જુલાઈમાં કોઈ ખુલાસા વગર કાપ મૂકવામાં આવતાં પાયલટોનું બજેટ ખોરવાઈ ગયું છે.
માત્ર 14-15 હજારના નજીવા પગારમાં કામ કરતા પાયલટોની ઘરથી 100 કિલોમીટર દૂર બદલી કરવામાં આવે છે. બદલી અને નવા ઓર્ડર વચ્ચેના સમયગાળામાં તેમને પગાર વગર રહેવું પડે છે. પૂરતા વાહનો ન મળવા અને અમુક કર્મચારીઓ પાસે ગેરકાયદે વધારાનું કામ કરાવવાની ફરિયાદો પણ ઉઠી છે.
આઉટસોર્સિંગ કંપનીની જોહુકમી એટલી હદે વધી ગઈ છે કે પોતાની કાયદેસરની માંગણીઓ કે અન્યાય સામે અવાજ ઉઠાવનારા પાયલટોને 3-3 મહિના સુધી 'ઓફ ડ્યુટી' કરી દેવામાં આવે છે અને બાદમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.
જે પાયલટો પર ગુજરાતના નાગરિકોની સુરક્ષા જાળવવાની મોટી જવાબદારી છે, તે પોતે જ માનસિક તણાવ, આર્થિક સંકટ અને અનિશ્ચિતતામાં જીવે તો ફરજ પર પૂરું ધ્યાન કેવી રીતે આપી શકે? તેવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે.
સામાજિક સંગઠનોએ માંગ કરી છે કે જો ખાનગી એજન્સીઓ ગુજરાતના યુવાનોને સાચવી શકતી ન હોય, તો સરકારે તાત્કાલિક અસરથી 'ડાયલ 112' પ્રોજેક્ટનું સંપૂર્ણ સરકારીકરણ કરીને તેને પોતાના હસ્તક લેવો જોઈએ, જેથી પાયલટોનું શોષણ અટકે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત થાય.