ડાયાબિટીસ માત્ર માણસો પૂરતો મર્યાદિત નથી. શ્વાનમાં પણ ડાયાબિટીસ એક લાંબા ગાળાની બીમારી છે, જે અંદાજે દર ૩૦૦ શ્વાનમાંથી એકને જીવનના કોઈને કોઈ તબક્કે અસર કરે છે. જો પ્રારંભિક તબક્કે નિદાન થાય અને યોગ્ય સારવાર મળે, તો ડાયાબિટીસ ધરાવતો શ્વાન પણ સક્રિય અને ખુશહાલ જીવન જીવી શકે છે.
ડાયાબિટીસ મેલીટસ ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન હોર્મોન બનાવી શકતું નથી. ઇન્સ્યુલિન કોષોને લોહીમાંથી ગ્લુકોઝ શોષવામાં મદદ કરે છે. જ્યારે કોષો ઇન્સ્યુલિન મેળવી શકતા નથી, ત્યારે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે, જેને હાઈપરગ્લાયકેમિઆ કહે છે. આ સ્થિતિમાં શરીર ઊર્જા માટે ચરબી તોડવા લાગે છે, જેનાથી લીવરમાં કીટોન્સ બને છે. કીટોન્સનું પ્રમાણ ખૂબ વધી જાય તો ડાયાબિટીક કીટોએસિડોસિસ (DKA) જેવી જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે.
શ્વાનમાં ડાયાબિટીસના ત્રણ પ્રકાર છે. ટાઈપ-૧ ડાયાબિટીસમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવવાનું સંપૂર્ણપણે બંધ કરી દે છે. શ્વાનમાં આ પ્રકાર સૌથી સામાન્ય છે, જેનો કોઈ કાયમી ઈલાજ નથી અને આજીવન ઇન્સ્યુલિન આપવું પડે છે. ટાઈપ-૨ ડાયાબિટીસમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવે છે, પરંતુ કોષો ગ્લુકોઝ શોષવામાં અસમર્થ બને છે. તે સામાન્ય રીતે વધુ વજન ધરાવતા શ્વાનમાં જોવા મળે છે. યોગ્ય આહાર અને કસરતથી આ સ્થિતિ નિયંત્રણમાં આવી શકે છે. ટાઈપ-૩ ડાયાબિટીસ સગર્ભા કૂતરીઓમાં હોર્મોનલ અસંતુલનને કારણે થતો અસ્થાયી ડાયાબિટીસ છે. નોંધ: ડાયાબિટીસ ઇન્સિપિડસ કે વોટર ડાયાબિટીસ એ તદ્દન અલગ બીમારી છે, જેમાં શ્વાનનું શરીર પાણીનો સંગ્રહ કરી શકતું નથી.
શ્વાનમાં ડાયાબિટીસનાં મુખ્ય કારણોમાં ઓટોઈમ્યુન ડિસઓર્ડર (રોગપ્રતિકારક શક્તિ ભૂલથી સ્વાદુપિંડ પર હુમલો કરે છે), પેન્ક્રિયાટાઈટિસ (વારંવાર અતિશય ચરબીયુક્ત ખોરાકથી સ્વાદુપિંડમાં સોજો), સ્થૂળતા અને નબળો આહાર, તથા કુશિંગ્સ રોગ (કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધવું)નો સમાવેશ થાય છે. લેબ્રાડોર રીટ્રીવર, ગોલ્ડન રીટ્રીવર, જર્મન શેફર્ડ, બીગલ, ડાચશુન્ડ, પુગ, પોમેરેનિયન, પુડલ, ડોબરમેન, બોક્સર અને યોર્કશાયર ટેરિયર જેવી બ્રીડ્સ આનુવંશિક રીતે વધુ સંવેદનશીલ હોય છે.
શ્વાનમાં ડાયાબિટીસનાં સામાન્ય લક્ષણોમાં વારંવાર પેશાબ જવું અને અતિશય તરસ લાગવી, વધુ ભૂખ લાગવા છતાં વજન ઘટવું, અશક્તિ અને સુસ્તી, મોંમાંથી મીઠી ગંધ આવવી (જે DKAનું ગંભીર લક્ષણ હોઈ શકે), અને આંખમાં મોતિયો આવવો (લાંબા સમય સુધી બ્લડ સુગર અનિયંત્રિત રહેવાથી)નો સમાવેશ થાય છે.
નિદાન માટે પશુચિકિત્સક લોહીની તપાસ (CBC, ફ્રુક્ટોસામાઇન ટેસ્ટ) અને પેશાબની તપાસ (Urinalysis) કરે છે. સારવારમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શન (સામાન્ય રીતે દિવસમાં બે વખત ભોજન બાદ નિયત માત્રામાં), નિશ્ચિત ડાયેટ (વધુ ફાઇબર અને નિયંત્રિત પ્રોટીનવાળો ખોરાક દરરોજ ચોક્કસ સમયે) અને એક્સરસાઇઝનો સમાવેશ થાય છે. ગળી ચીજો કે વધુ ચરબીવાળો ખોરાક આપવો નહીં.