સત્ય. સાહસ. સંકલ્પ.

ડાયાબિટીસ માટે નવી આશા: ત્વચા નીચે મૂકવાનું નાનું ઇમ્પ્લાન્ટ સુગર બાળી શકે

ડાયાબિટીસ માટે નવી આશા: ત્વચા નીચે મૂકવાનું નાનું ઇમ્પ્લાન્ટ સુગર બાળી શકે

સ્વિટ્ઝર્લૅન્ડની ETH ઝુરિચના સંશોધકોએ ડાયાબિટીસની સારવાર માટે એક નવું ઇમ્પ્લાન્ટ વિકસાવ્યું છે, જે ત્વચા નીચે મૂકવામાં આવે છે. આ ડિવાઇસ લોહીમાં વધારે પડતી સુગર (ગ્લુકોઝ)ને દવા કે ઇન્સ્યુલિન વગર ઓછી કરવામાં મદદ કરે છે. સંશોધન 22 ઓક્ટોબર 2026ના રોજ વિજ્ઞાન જર્નલ 'સાયન્સ'માં પ્રકાશિત થયું છે. આ સંશોધનમાં ભારતીય વૈજ્ઞાનિકો ડૉ. દેબાસિસ મૈતી અને ડૉ. પ્રીતમ ગુહા રે પણ સામેલ છે.

આ ડિવાઇસનું નામ ECHO (ઇલેક્ટ્રોકેટાલિટિક ક્લોઝ્ડ-લૂપ હેલ્થ ઓપ્ટિમાઇઝેશન) છે. તે ચપટી, લંબચોરસ આકારની નાની ચિપ છે, જે ગ્રેફાઇટની પાતળી પટ્ટી પર પ્લેટિનમથી મઢેલા સોનાના નાના કણોથી બનેલી છે. માઇક્રોસ્કોપમાં તે 'ડેઝર્ટ રોઝ' જેવી દેખાય છે. આ ડિવાઇસમાં કોઈ જૈવિક કોષ કે એન્ઝાઇમ નથી, ફક્ત ધાતુ અને ઇલેક્ટ્રોનિક્સ છે, જે તેને લાંબા સમય સુધી ટકાઉ બનાવે છે.

આ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે? જ્યારે લોહીમાં સુગરનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદાથી વધી જાય છે, ત્યારે તે માત્ર 0.75 વોલ્ટનો નાનો વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. આ પ્રવાહ વધારાના ગ્લુકોઝને 'ગ્લુકોનેટ'માં ફેરવી નાખે છે, જે કિડની દ્વારા સરળતાથી ફિલ્ટર થઈને પેશાબ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. ડિવાઇસ સ્માર્ટફોન અને સતત ગ્લુકોઝ મોનિટરિંગ (CGM) સેન્સર સાથે વાયરલેસ રીતે જોડાયેલું રહે છે. સુગર વધે ત્યારે તે આપમેળે ચાલુ થાય છે અને સ્તર સામાન્ય થતાં જ બંધ થઈ જાય છે. આ ટેકનોલોજી બ્લડ સુગર ખતરનાક રીતે ઘટી જવાની (હાઇપોગ્લાયકેમિઆ) સમસ્યાને અટકાવે છે.

આ ડિવાઇસ ડાયાબિટીસ અને સ્થૂળતા (ડાયાબેસિટી) પર બેવડી અસર કરે છે. ગ્લુકોઝ ઘટાડવાની સાથે તે શરીરના ચયાપચયને બદલી નાખે છે. લોહીમાંથી સુગર દૂર થતાં શરીર ઊર્જા માટે સંગ્રહિત ચરબી બાળવા લાગે છે. આનાથી ફ્રી ફેટી એસિડ્સ અને કીટોન્સ વધે છે અને શરીરનું વજન તથા ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટે છે. આ પ્રક્રિયામાં લોહીનું pH 7.35થી નીચે જતું નથી, એટલે કે કીટોએસિડોસિસ જેવી જીવલેણ સ્થિતિ ઊભી થતી નથી.

ઉંદરો પરના પરીક્ષણોમાં આ ડિવાઇસે માત્ર 90 મિનિટમાં બ્લડ સુગર ઘટાડીને નિયંત્રણમાં લાવી દીધું હતું. 6 અઠવાડિયા સુધી ચાલેલા પરીક્ષણોમાં તેણે કોઈ આડઅસર વિના ઉંદરોનું વજન ઘટાડ્યું હતું. સતત ગ્લુકોઝ મોનિટર સાથે જોડાયેલું આ ડિવાઇસ કોઈ માનવ હસ્તક્ષેપ વિના 12 દિવસ સુધી સતત કામ કરતું રહ્યું. ત્વચાની અંદર 3 મહિના રહ્યા પછી પણ ઇમ્પ્લાન્ટ સક્રિય જોવા મળ્યું અને તેનાથી કોઈ ડાઘ કે ઇન્ફેક્શન થયું નહીં.

હાલમાં આ ડિવાઇસનું પરીક્ષણ ઉંદરો પર જ થયું છે. માનવ પરીક્ષણ હજી બાકી છે. જો માનવ પરીક્ષણો સફળ થાય તો ભવિષ્યમાં ડાયાબિટીસના દર્દીઓને આજીવન દવાઓ કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનમાંથી મુક્તિ મળી શકે છે. જોકે, આ અંગે વધુ સંશોધન અને ક્લિનિકલ ટ્રાયલ્સની જરૂર છે.