સત્ય. સાહસ. સંકલ્પ.

દિયા મિર્ઝાને નવાઝુદ્દીન સાથે કામ કરવું 'દુઃસ્વપ્ન' જેવું લાગ્યું, ખાલી ખુરશીની તસવીરથી નવાઝનો જવાબ

દિયા મિર્ઝાને નવાઝુદ્દીન સાથે કામ કરવું 'દુઃસ્વપ્ન' જેવું લાગ્યું, ખાલી ખુરશીની તસવીરથી નવાઝનો જવાબ

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવાના અનુભવને 'દુઃસ્વપ્ન' ગણાવ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર નવાઝુદ્દીનને ટૅગ કરીને લખ્યું, “સાથે કામ કરવું દુઃસ્વપ્ન સમાન! તદ્દન વાંધાજનક પાત્ર!” અને “વાત કરવાની તમીજ નથી, એટિટ્યૂડ અલગ જ સ્તરનો છે.”

દિયાની આ પોસ્ટે ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે તેમણે પોતાના ગુસ્સા પાછળનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નથી. જોકે, આ પહેલી વાર નથી જ્યારે નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના વર્તન, નિવેદનો અથવા અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યા હોય.

દિયાની પોસ્ટના થોડા સમય બાદ નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી, જેમાં ખાલી ખુરશી દેખાય છે અને કૅપ્શનમાં લખ્યું છે, “એક ઓંકાર! નાનક દેવજી”. આ પ્રતિક્રિયાને દિયાની પોસ્ટના જવાબ તરીકે જોવામાં આવી રહી છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની કારકિર્દી સિદ્ધિઓની સાથે અનેક વિવાદોથી પણ ઘેરાયેલી રહી છે. 2017માં તેમની આત્મકથા 'એન ઑર્ડિનરી લાઇફ: એ મેમોયર' પ્રકાશિત થઈ હતી, જેમાં તેમણે પોતાના સંઘર્ષ અને અંગત સંબંધોની વિગતો લખી હતી. પુસ્તકમાં ઉલ્લેખ કરાયેલી મહિલાઓએ તેમની સંમતિ વિના અંગત વાતો જાહેર કરવાના આરોપ લગાવ્યા હતા.

અભિનેત્રી નિહારિકા સિંહે નવાઝ પર પુસ્તક વેચવા માટે મનઘડંત વાર્તાઓ ઘડવાનો આરોપ લગાવ્યો હતો અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. તેવી જ રીતે, 'પંચાયત' ફેમ અભિનેત્રી સુનીતા રાજવારે પણ પુસ્તકમાં કરવામાં આવેલા દાવાઓને ફગાવી દઈને નવાઝ પર સહાનુભૂતિ મેળવવાનો આરોપ મૂક્યો હતો અને કાનૂની નોટિસ મોકલીને 2 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી.

આખરે, ચારે તરફથી થઈ રહેલી ટીકા અને કાનૂની દબાણ વચ્ચે નવાઝુદ્દીન સિદ્દીકીએ 30 ઓક્ટોબર 2017ના રોજ ટ્વિટર (હવે X) પર માફી માંગી હતી.