સત્ય. સાહસ. સંકલ્પ.

દિયા મિર્ઝાની દિવાળી એડ હટાવવા પર બોમ્બે હાઈકોર્ટની BMCને ઠપકો: 'ભારત સેક્યુલર દેશ છે'

દિયા મિર્ઝાની દિવાળી એડ હટાવવા પર બોમ્બે હાઈકોર્ટની BMCને ઠપકો: 'ભારત સેક્યુલર દેશ છે'

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા પ્રદૂષણમુક્ત દિવાળી અભિયાન હેઠળ બનાવેલી બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાની જાહેરાત હટાવવા પર ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે પર્યાવરણ અને પ્રદૂષણનો મુદ્દો દરેક નાગરિકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને તેમાં રાજકારણને કોઈ સ્થાન ન હોવું જોઈએ.

BMCએ દિવાળી દરમિયાન ફટાકડાથી થતા હવા અને અવાજના પ્રદૂષણને રોકવા માટે દિયા મિર્ઝા, માધુરી દીક્ષિત, નિશિગંધા વાડ અને ક્રિકેટર અજિંક્ય રહાણે જેવા સેલેબ્રિટીઝ સાથે જાગૃતિ વીડિયો તૈયાર કર્યા હતા. પરંતુ ભાજપ નેતા અમિત સાટમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, 'અમારે દિવાળી કેવી રીતે ઉજવવી તે શિખવાની જરૂર નથી, અમારી પરંપરાઓ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે.'

આ ટિપ્પણી બાદ BMCએ કોઈ ખુલાસો આપ્યા વગર દિયા મિર્ઝાનો વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરી દીધો હતો. મુંબઈના મેયર રીતુ તાવડેએ પણ આ નિર્ણયનું સમર્થન કરતાં દિયા મિર્ઝા પર હિન્દુત્વ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ મામલે સુનાવણી કરતી વખતે જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે જણાવ્યું હતું કે, 'પર્યાવરણ અને પ્રદૂષણનો મુદ્દો દરેક નાગરિકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. પછી તે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિનો હોય, આપણે બધા એક જ હવામાં શ્વાસ લઈએ છીએ. BMCએ ખૂબ સારું કામ કર્યું હતું. ભારત એક સેક્યુલર દેશ છે અને સેલેબ્રિટીઝે એકતાનો સંદેશ આપ્યો હતો. આવી ગંભીર બાબતોમાં રાજકારણ કે જૂથબંધીને કોઈ સ્થાન ન હોવું જોઈએ.' કોર્ટે કોઈપણ નેતાનું નામ લીધા વિના કહ્યું કે આવી ટિપ્પણીઓથી સમાજની એકતા અને સંતુલન બગડવું ન જોઈએ.

આ નિર્ણય સામે પ્રતિક્રિયા આપતાં દિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે, 'હાઈકોર્ટના નિર્દેશ અને BMCના જાહેર હિતના અભિયાન હેઠળ બનાવેલા વીડિયો સામે કોઈને કેમ વાંધો હોઈ શકે? હવાનું પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે અને તેને ઘટાડવાના તમામ પ્રયાસોને બિરદાવવા જોઈએ.'

બીજી તરફ, વિપક્ષી નેતાઓએ BMC પર રાજકીય દબાણ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે ભાજપે દાવો કર્યો હતો કે પર્યાવરણના નામે માત્ર હિન્દુ તહેવારોને જ લક્ષ્ય બનાવવામાં આવે છે.