મુંબઈ: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ પોતાના સોશિયલ મીડિયા પેજ પરથી અભિનેત્રી દિયા મિર્ઝાનો દિવાળીમાં ફટાકડા ન ફોડવાની અપીલ કરતો વીડિયો હટાવી દીધો છે. મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાટમે વાંધો ઉઠાવ્યાના થોડા કલાકોમાં જ રવિવારે આ વીડિયો દૂર કરવામાં આવ્યો.
વીડિયો હટાવાયા બાદ દિયા મિર્ઝાએ સમાચાર એજન્સી ANI સાથે વાત કરતાં જણાવ્યું કે વાયુ પ્રદૂષણ જાહેર આરોગ્યનો વિષય છે. આ વીડિયો બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને જનહિત માટે બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં તેમણે ફટાકડા ન ફોડવા અને પ્રદૂષણમુક્ત દિવાળી ઉજવવાની અપીલ કરી હતી.
મામલાની શરૂઆત મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાટમની X (ટ્વિટર) પરની પોસ્ટથી થઈ. તેમણે BMCના સત્તાવાર હેન્ડલને ટેગ કરીને લખ્યું હતું કે દિવાળી ઉજવવાની રીત અંગે કોઈ પાસેથી શીખવાની જરૂર નથી. તેના થોડા કલાકોમાં જ BMCએ દિયા મિર્ઝાનો વીડિયો પોતાના X અને ઇન્સ્ટાગ્રામ પેજ પરથી હટાવી દીધો.
જોકે, આ જ જાગૃતિ અભિયાન હેઠળ બનાવાયેલા અભિનેત્રી માધુરી દીક્ષિત અને ક્રિકેટર અજિંક્ય રહાણેના વીડિયો BMCએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર યથાવત્ રાખ્યા છે.
વીડિયો દૂર થયા બાદ દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમણે આ અભિયાન માટે BMC પાસેથી કોઈ ફી લીધી નહોતી. તેમણે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, “હવે ભલાઈનો જમાનો રહ્યો નથી. BMCએ જનહિતમાં મારી પાસે જે વીડિયો રેકોર્ડ કરાવ્યો છે, તેની કોઈએ ટીકા શા માટે કરવી જોઈએ? વાયુ પ્રદૂષણ ચિંતાનો વિષય છે અને પ્રદૂષણ ઘટાડવાના તમામ પ્રયાસોનું સ્વાગત થવું જોઈએ.”
બીજી તરફ, મુંબઈનાં મેયર રિતુ તાવડેએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે દિયા મિર્ઝાએ નર્મદા પ્રોજેક્ટ, સમાન નાગરિક સંહિતા (UCC) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોનો હંમેશાં વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે મહાપાલિકાએ તેમને બ્લેકલિસ્ટ કર્યા છે.
મુંબઈમાં સતત વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈકોર્ટે ફટાકડા અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરતાં BMCએ જાહેર રસ્તા, ગલીઓ અને ફૂટપાથ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ જાગૃતિ અભિયાન હેઠળ જાણીતી હસ્તીઓ સાથે વીડિયો તૈયાર કરાયા હતા, જેમાં નાગરિકોને પર્યાવરણને અનુકૂળ દિવાળી ઉજવવા તથા ધ્વનિ અને વાયુ પ્રદૂષણથી બચવાની અપીલ કરાઈ હતી.
BMCના આ નિર્ણય પર શિવસેના (UBT) અને મનસેએ સત્તાધારી પક્ષ પર પ્રહાર કર્યા છે. શિવસેના (UBT)ના પ્રવક્તા અને પૂર્વ મેયર કિશોરી પેડણેકરે પ્રશ્ન ઉઠાવ્યો કે શું BMC પ્રશાસન ભાજપના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે નાગરિક સંસ્થાએ સાંપ્રદાયિક એજન્ડા સામે ઝૂકવું જોઈતું નહોતું.
ભાજપના મંત્રી નિતેશ રાણેએ દિયા મિર્ઝાની ટીકા કરતાં કહ્યું કે તેઓ માત્ર દિવાળી પર સલાહ આપે છે, જ્યારે અન્ય તહેવારો પર મૌન રહે છે. તેમણે કહ્યું કે તેઓ આ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરશે.