બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર અને મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતી ધ્વનિ ભાનુશાળીએ પોતાના બોયફ્રેન્ડ યશ સાથે સગાઈ કરી લીધી છે. આ ખુશખબર તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાર રોમેન્ટિક તસવીરો શેર કરીને ચાહકોને આપી છે.
તસવીરોમાં ધ્વનિ અને યશ એકબીજને ભેટેલા જોવા મળે છે, જ્યારે તેમની પાછળના ભાગમાં 'Will You Marry Me?' લખેલું દેખાય છે. એક તસવીરમાં યશ ધ્વનિના ગાલ પર પ્રેમથી ચુંબન કરતો જોવા મળે છે, તો બીજી તસવીરમાં આથમતા સૂરજના નજારા વચ્ચે યશ ધ્વનિને પાછળથી ભેટીને ઊભો છે. ધ્વનિ પોતાના હાથમાં ચમકતી ડાયમંડ એન્ગેજમેન્ટ રિંગ પણ દર્શાવે છે.
આ તસવીરો શેર કરતાં ધ્વનિએ લખ્યું, 'મને મારી જિંદગીની કપકેક મળી ગઈ. મેં હા કહી દીધી.' આ પોસ્ટ પર બોલિવૂડ સેલિબ્રિટીઝ, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મિત્રો અને ગુજરાતી ચાહકો તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
ધ્વનિ ભાનુશાળી મૂળ ગુજરાતના કચ્છી ભાનુશાળી પરિવાર સાથે જોડાયેલા છે. 'વાસ્તે', 'લે જા રે', 'દિલબર', 'નયન', 'કોકા', 'દુનિયા' અને 'સાયકો સૈયાં' જેવા ચાર્ટબસ્ટર ગીતો દ્વારા તેમણે ઓછી ઉંમરમાં જ બોલિવૂડમાં નામ કમાવ્યું છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. સગાઈ બાદ આ કપલ જલદી લગ્નના તાંતણે બંધાઈ શકે છે, જોકે લગ્નની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.