બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર અને મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતી ધ્વનિ ભાનુશાળીએ પોતાના બોયફ્રેન્ડ યશ સાથે સગાઈ કરી લીધી છે. 'વાસ્તે' અને 'દિલબર' જેવા સુપરહિટ ગીતો આપીને યુટ્યુબ પર 1 બિલિયનથી વધુ વ્યૂઝ મેળવનાર આ ગાયિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈની ચાર રોમેન્ટિક તસવીરો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે.
તસવીરોમાં ધ્વનિ અને યશ એકબીજાને ભેટેલા જોવા મળે છે, જ્યારે તેમની પાછળના બેકગ્રાઉન્ડમાં "Will You Marry Me?" લખેલું દેખાય છે. એક તસવીરમાં યશ ધ્વનિના ગાલ પર પ્રેમથી કિસ કરતો જોવા મળે છે, તો બીજી તસવીરમાં આથમતાં સૂરજના નજારા વચ્ચે યશ ધ્વનિને પાછળથી ભેટીને ઊભો છે અને બંને કેમેરા સામે સ્મિત કરી રહ્યા છે. ધ્વનિ પોતાના હાથમાં રહેલી ચમકતી ડાયમંડ એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે.
આ તસવીરો શેર કરતાં ધ્વનિએ કૅપ્શનમાં લખ્યું છે, "મને મારી જિંદગીની કપકેક મળી ગઈ. મેં હા કહી દીધી." આ પોસ્ટ સામે બોલિવૂડ સેલિબ્રિટીઝ, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મિત્રો અને ગુજરાતી ચાહકો તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
મૂળ ગુજરાતના કચ્છી ભાનુશાળી પરિવાર સાથે નાતો ધરાવતી ધ્વનિએ ખૂબ જ નાની ઉંમરે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. 'વાસ્તે', 'લે જા રે', 'દિલબર', 'નયન', 'કોકા', 'દુનિયા' અને 'સાયકો સૈયાં' જેવા ચાર્ટબસ્ટર ગીતો ઉપરાંત તેણે ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. સગાઈ બાદ આ કપલ જલદી લગ્નના તાંતણે બંધાઈ શકે છે, જોકે લગ્નની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.