રણવીર સિંહ અભિનીત ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ'નું સંગીત 69મા ગ્રેમી એવોર્ડ્સની અંતિમ નોમિનેશન યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. સોમવારે જાહેર થયેલી ગ્રેમી 2027ની યાદીમાં ફિલ્મનું એક પણ ગીત સામેલ કરવામાં આવ્યું નથી. નિર્માતાઓએ ઓક્ટોબરમાં ફિલ્મના સાઉન્ડટ્રેક અને ગીતોને કુલ 9 કેટેગરીમાં નોમિનેશન માટે મોકલ્યાં હતાં.
શાશ્વત સચદેવના સંગીતવાળી આ ફિલ્મના ગીતોએ 300 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી હતી, પરંતુ ફિલ્મ ગ્રેમીની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
ફિલ્મનું ચર્ચિત ગીત 'ફિર સે' બેસ્ટ સૉન્ગ રિટન ફૉર વિઝ્યુઅલ મીડિયા કેટેગરીમાં મોકલવામાં આવ્યું હતું, જેને અરિજીત સિંહે અવાજ આપ્યો છે. જોકે, આ ગીત અંતિમ યાદીમાં સ્થાન મેળવી શક્યું નથી. બીજી તરફ, બોમ્બે રોકર્સ, ખાન સાબ, જૅસ્મિન સેન્ડલસ, રિબેલ, ટોકન અને સુધીર યાદવંશીએ ગાયેલું 'આરી આરી' બેસ્ટ એશિયન પૉપ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે પણ સ્થાન મેળવી શક્યું નથી.
ગ્રેમી અવૉર્ડ્સની જાહેર થયેલી નૉમિનેશન લિસ્ટ અનુસાર, ફિલ્મનાં બે ગીતો 'જાન સે ગુજરતે હૈં' અને 'કન્હૈયા' બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીની દોડમાંથી બહાર થઈ ગયાં છે. આ ઉપરાંત જાસ્મિન સૅન્ડલસ અને સતીન્દર સરતાજના અવાજમાં રજૂ થયેલા 'જાઇએ સજના'ને બેસ્ટ પૉપ ડુઓ/ગ્રુપ પરફોર્મન્સ કેટેગરીમાં મોકલવામાં આવ્યું હતું, જેને નૉમિનેશન મળ્યું નથી.
ફિલ્મના અન્ય સબમિશનમાં 'ડેસ્ટિની - મન અટકેયા' (બેસ્ટ રૅપ પરફોર્મન્સ), 'વારી જાવાં' (બેસ્ટ ડાન્સ/ઇલેક્ટ્રોનિક રેકોર્ડિંગ), 'હમ પ્યાર કરનેવાલે' (બેસ્ટ રિમિક્સ્ડ રેકોર્ડિંગ) અને કમ્પોઝર શાશ્વત સચદેવનું આલ્બમ 'ધુરંધર: ધ રિવેન્જ' (વિઝ્યુઅલ મીડિયા માટેનું બેસ્ટ કમ્પાઇલેશન સાઉન્ડટ્રેક) પણ અંતિમ યાદીમાં સ્થાન મેળવી શક્યાં નથી.
'ધુરંધર' ફ્રેન્ચાઇઝ બોલિવૂડની સૌથી સફળ ફિલ્મોમાંની એક ગણાય છે. ફિલ્મની બોક્સ ઑફિસ કમાણીની સાથે તેના સંગીતને પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. તેના સાઉન્ડટ્રેકમાં જૂના હિન્દી ગીતોના નવા વર્ઝન સાથે અનેક ઓરિજિનલ ટ્રેક પણ સામેલ હતા. અહેવાલો અનુસાર, ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ અને સ્ટ્રીમિંગથી જ મેકર્સે 300 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી હતી. આ લોકપ્રિયતાના આધારે ઑક્ટોબર 2026માં મેકર્સે ગ્રેમી અવૉર્ડ્સ માટે 9 અલગ-અલગ કેટેગરીમાં એન્ટ્રી મોકલી હતી.