સત્ય. સાહસ. સંકલ્પ.

ધ્રુવ રાઠીનો દાવો: હું ભારતીય નાગરિક છું, મારી અટકાયત નહીં પણ અપહરણ થયું

ધ્રુવ રાઠીનો દાવો: હું ભારતીય નાગરિક છું, મારી અટકાયત નહીં પણ અપહરણ થયું

CJPના દેખાવો પહેલાં યુટ્યુબર ધ્રુવ રાઠીની અટકાયત કરવામાં આવી હતી. બીજા દિવસે તેમને છોડી મૂક્યા બાદ તેમણે વીડિયો જાહેર કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

વીડિયોમાં ધ્રુવ રાઠીએ પોતાનો પાસપોર્ટ બતાવીને કહ્યું કે તેઓ ભારતીય નાગરિક છે. તેમણે જર્મન નાગરિક હોવાની અફવાઓને ખોટી ગણાવી. તેમણે દાવો કર્યો કે તેમની અટકાયત નહીં, પરંતુ અપહરણ કરવામાં આવ્યું હતું.

રાઠીએ જણાવ્યું કે તેમના ઘરની બહાર 50થી વધુ લોકો સાદા કપડામાં હાજર હતા. તેમાંથી 20થી 25 લોકો ઘરમાં ઘૂસી આવ્યા અને તેઓ ઊંઘતા હતા ત્યારે તેમને લઈ ગયા. તેમના મતે તેમની માતાને ધક્કો મારીને લોકો તેમના બેડરૂમ સુધી પહોંચ્યા હતા. તેમણે આ ઘટનાને અપહરણ ગણાવી.

તેમણે વધુમાં કહ્યું કે તેમને લઈ જનારામાં કોઈ યુનિફોર્મ પહેરેલો પોલીસકર્મી નહોતો. તેમને દેખાવોમાં જવા દીધા નહીં, બેડરૂમમાંથી ઢસડીને લઈ જવાયા, ચંપલ પહેરવાની તક પણ ન આપી. તેમને જીપમાં બેસાડીને એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશને ફેરવવામાં આવ્યા અને મોબાઇલ પણ છીનવી લેવાયો. તેમને વકીલને મળવા દેવાયા નહીં. રાઠીએ આરોપ મૂક્યો કે 22થી 23 કલાક સુધી તેમને હેરાન કરવામાં આવ્યા.

આ ઘટનાક્રમ CJPના દેખાવો પહેલાં બન્યો હતો. રાઠીનો આ વીડિયો સામે આવ્યા બાદ તેમના અટકાયત અંગે ચર્ચા શરૂ થઈ છે.