જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીએ તેમની તાજેતરની અટકાયત બાદ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પહેલા તેમણે રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે મીડિયા સાથે દેશની વર્તમાન પરિસ્થિતિ અને પોતાની અટકાયત અંગે ખુલીને વાત કરી હતી.
ધ્રુવ રાઠીએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ ચોક્કસ રાજકીય પક્ષના સમર્થક નથી. તેમણે કહ્યું, "હું દેશના તમામ પક્ષોને ટેકો આપું છું, મારો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સળગતા પ્રશ્નો ઉકેલવાનો છે." તેમણે ચૂંટણી પંચની કામગીરીમાં સુધારા અને તેની તટસ્થતા જાળવવાની માંગ કરી હતી.
તેમણે જણાવ્યું કે તેઓ ભારત માત્ર ૨ થી ૩ દિવસ માટે આવ્યા હતા. તેમનો મુખ્ય હેતુ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં એક સામાન્ય નાગરિક તરીકે જોડાવાનો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ સીજેપી (CJP) કે અન્ય કોઈ રાજકીય કે સામાજિક સંગઠન સાથે જોડાયેલા નથી, પરંતુ પોતાની વ્યક્તિગત ક્ષમતામાં આવ્યા છે.
દેશની લોકશાહી અંગે ચિંતા વ્યક્ત કરતા ધ્રુવે કહ્યું, "ચૂંટણી પંચનું તટસ્થ રહેવું અત્યંત જરૂરી છે. મત ચોરી એ દેશ માટે ખૂબ જ ગંભીર મુદ્દો છે." તેમણે આક્ષેપ કર્યો કે ગત ચૂંટણીમાં જે બન્યું તે જોતા લાગે છે કે દેશમાં લોકશાહીનું અસ્તિત્વ જોખમમાં છે. દેશ ધીમે ધીમે સરમુખત્યારશાહી તરફ ધકેલાઈ રહ્યો છે અને આપણે તેની આરે ઊભા છીએ.
પ્રેસ કોન્ફરન્સ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પણ ધ્રુવે કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. તેમણે સાંજે ૬:૩૦ વાગ્યે કપિલ સિબ્બલને મળવાની જાહેરાત કરી હતી. ઉપરાંત, પોતાની મુક્તિ અંગે ઉડી રહેલી અફવાઓને ફગાવતા તેમણે લખ્યું હતું કે, "મેં મુક્ત થવા માટે કોઈ જ બોન્ડ, બાંયધરી કે અન્ય કોઈ શરતો પર હસ્તાક્ષર કર્યા નથી."
પોતાની અટકાયત અંગે દિલ્હી પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા ધ્રુવે કહ્યું કે શનિવારે ગુડગાંવ સ્થિત તેમના ઘરેથી પોલીસે તેમને વિરોધ પ્રદર્શનમાં જતા રોકવા માટે અટકાયતમાં લીધા હતા. ધ્રુવના જણાવ્યા અનુસાર, વહેલી સવારે જ્યારે તેઓ પોતાના બેડરૂમમાં સૂતા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા.
ધ્રુવે દાવો કર્યો કે આ કાર્યવાહી દરમિયાન તેમના માતા-પિતા પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. તેમણે આ સમગ્ર ઘટનાને કાયદેસરની અટકાયત નહીં, પરંતુ સીધું 'અપહરણ' ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે હજુ પણ તેમની દરેક હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
અંતમાં, સોશિયલ મીડિયા પર તેમના નાગરિકત્વ અંગે ચાલતા વિવાદનો પણ તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. પોતે વિદેશી નાગરિક હોવાના દાવાઓને નકારી કાઢતા ધ્રુવે કહ્યું કે, "હું એક સાચો ભારતીય છું. મારી પાસે ભારતનો માન્ય પાસપોર્ટ છે અને અન્ય નાગરિકોની જેમ હું પણ તમામ બંધારણીય અને નાગરિક અધિકારો ધરાવું છું."
આ સમગ્ર ઘટનાક્રમ બાદ દેશભરમાં રાજકીય માહોલ ગરમાયો છે. દેશના યુવાનોમાં બહોળો વર્ગ ધરાવતા ધ્રુવ રાઠીના આ નિવેદનો આગામી દિવસોમાં મોટી અસર ઊભી કરી શકે છે. ચૂંટણી પંચની ભૂમિકા અને દિલ્હી પોલીસની કાર્યવાહી બંને હાલમાં લોકોની ચર્ચાનો મુખ્ય વિષય બન્યા છે.