સત્ય. સાહસ. સંકલ્પ.

લંડનમાં ધ્રુવ રાઠીનું વિરોધ પ્રદર્શન: સરકાર અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ નારા

લંડનમાં ધ્રુવ રાઠીનું વિરોધ પ્રદર્શન: સરકાર અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ નારા

જાણીતા યૂટ્યુબર ધ્રુવ રાઠીએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સરકાર અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ભારતમાં કાનૂની કાર્યવાહીનો સામનો કર્યા બાદ રાઠીએ લંડનમાં ભારતીય પ્રવાસીઓને એકઠા કરીને 'વોટ ચોર, ગદ્દી છોડ' જેવા નારા લગાવ્યા હતા. તેમણે દિલ્હી પોલીસને લંડન આવવા પડકાર ફેંક્યો હતો અને દાવો કર્યો હતો કે તેમને 90 ટકાથી વધુ લોકોનું સમર્થન મળ્યું છે.

આ પહેલાં દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શનમાં જોડાવા આવેલા ધ્રુવ રાઠીની પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં મુક્ત કર્યા હતા. ભારતમાં નાગરિકતા વિવાદ અને જૂના માનહાનિ કેસમાં કાનૂની સમનનો સામનો કર્યા બાદ તેમણે લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે બપોરે 12 વાગ્યે ગાંધીજીની પ્રતિમા પાસે પ્રદર્શન કરવાની અપીલ કરી હતી.

પ્રદર્શનમાં ઉપસ્થિત ભારતીયોને સંબોધતા રાઠીએ કહ્યું કે, 'આખી દુનિયામાં તમારો ડંકો વાગી રહ્યો છે. તેમણે અભિજિત દીપકેને રોકી દીધા. આ લોકોએ મને દિલ્હીમાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. તો મેં વિચાર્યું કે ક્યાં ક્યાં રોકશો? આવી જાઓ લંડનમાં, દિલ્હી પોલીસ! ક્યાં છે દિલ્હી પોલીસ? મને તો અહીં દેખાતી નથી… કોઈ અંધભક્ત પણ નથી દેખાઈ રહ્યો… તે લોકોને હું બતાવવા માંગીશ કે અહીં જોઈ લો, 90 ટકાથી વધુ લોકો આપણને સપોર્ટ કરે છે અને સમગ્ર દેશમાં પણ આ જ સ્થિતિ છે!'

આ વિરોધ પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરતા ધ્રુવ રાઠીએ લખ્યું કે, 'લંડનમાં વસતા તમામ ભારતીયો તરફથી એક સંદેશ: વોટ ચોર, ગદ્દી છોડ.' કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પણ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.