ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની યાદી બહાર પાડી છે. આ ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર છેલ્લા એક મહિનાથી પ્રચાર કરતો એક યુવાન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાજપનો ગઢ ગણાતા વોર્ડ-9માં 32 વર્ષીય ધ્રુવ પટેલે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે.
ધ્રુવ પટેલ ગુજરાતી ફિલ્મોથી લઈને હોલિવૂડ ફિલ્મ સુધી કામ કરી ચૂક્યા છે. તેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. તેમની એન્ટ્રીથી ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરે ભાજપ સામે મેદાને પડેલા કોંગ્રેસના ધ્રુવ પટેલ અને ફેનિલ પટેલ તેમજ AAPના ઉમેદવાર હાર્દિક તલાટી સાથે વાતચીત કરી હતી.
ધ્રુવ પટેલ માતા-પિતા અને પત્ની સાથે ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહે છે. તેમના પિતા સીતારામ પટેલ GEBમાંથી એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા છે, જ્યારે માતા દક્ષાબેન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી સરકારી નોકરી પૂર્ણ કરી નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. ધ્રુવ પટેલની પત્ની પૂજાએ B.Tech સુધીનો અભ્યાસ કર્યો છે. ધ્રુવ પોતે પર્ફોમિંગ આર્ટ્સમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવે છે અને વ્યવસાયે એક્ટર, સોશિયલ એક્ટિવિસ્ટ તેમજ એનિમલ વેલ્ફેર એક્ટિવિસ્ટ છે.
સોશિયલ મીડિયા પર ધ્રુવ પટેલના બે લાખથી વધુ ફોલોઅર્સ છે. અભિનય ક્ષેત્રે પણ ધ્રુવે પોતાની ઓળખ બનાવી છે. તેણે હોલિવૂડ ફિલ્મ 'એક્સટ્રેકશન'માં રણદીપ હુડ્ડાના બોડીગાર્ડનો રોલ કર્યો હતો અને અનુપમ ખેરની જાણીતી ઈન્સ્ટિટ્યૂટમાં પણ પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2007માં અભિનેતા હિરેનકુમાર સાથે ગુજરાતી ફિલ્મ 'સ્નેહના સગપણ'માં પણ તે લીડ રોલમાં જોવા મળ્યો હતો.
રાજકારણમાં પ્રવેશ અને ભાજપના બદલે કોંગ્રેસ પસંદ કરવા અંગે વાત કરતા ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, 32 વર્ષની ઉંમરમાં તેમણે અત્યાર સુધી ભાજપનું શાસન જોયું છે. ત્રણ વખત મતદાર કરી ચૂકેલા ધ્રુવનું માનવું છે કે, ચૂંટણી વખતે મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ હોય છે. લોકો તો ઠીક ભાજપના પોતાના નેતાઓ કે કાર્યકર્તાઓ પણ ખુલીને પોતાનો મત રજૂ કરી શકતા નથી. SIRના નામે લોકોનો મતાધિકાર છીનવાઈ જતો હોય તો પણ લાચારીને કારણે કોઈ બોલી શકતું નથી.
ધ્રુવના મતે કોંગ્રેસમાં વિચારસરણીની આઝાદી અને વિરોધ નોંધાવવાની સ્વતંત્રતા છે. પાટીદાર આંદોલન સમયેની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે, છેલ્લા 30 વર્ષથી ચાલતા એકહથ્થુ શાસનમાંથી જનતાએ અને ખાસ કરીને પાટીદાર સમાજે હવે માનસિક ગુલામીમાંથી બહાર આવવું જોઇએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કરતા હ્યુમન ડેવલપમેન્ટ અને શિક્ષણના સ્તરને ઊંચું લાવવું વધુ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, જાતિવાદ અને કોમવાદના રાજકારણને હવે વિરામ આપવો જોઇએ. પોતાની પેઢીના યુવાનોને સંદેશ આપતા ધ્રુવ પટેલે કહ્યું કે, પાટીદાર સમાજનો ઝુકાવ ભાજપ તરફ રહ્યો છે, પરંતુ હવે બદલાવ અનિવાર્ય છે.
ધ્રુવ પટેલના આ નિર્ણયમાં તેમનો પરિવાર પણ સંપૂર્ણપણે સાથે છે. તેમના પત્ની પૂજાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં વિચારોની અને નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. ધ્રુવ નોકરી કરવાને બદલે સોશિયલ મીડિયા કન્ટેન્ટ દ્વારા કમાણી કરે છે અને સ્ટ્રીટ ડોગ્સ પ્રત્યે પણ ખાસ લગાવ ધરાવે છે. તેમના ઘરે બે સ્ટ્રીટ ડોગ્સ પરિવારના સભ્યની જેમ રહે છે. ધ્રુવ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયામાં રિપ્રેઝન્ટેટિવ પણ રહી ચૂક્યા છે.
વોર્ડ-7માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર MBA થયેલા 25 વર્ષીય ફેનિલે જણાવ્યું હતું કે, મારા પિતાને જ્વેલર્સનો વ્યવસાય છે. માતા ગૃહિણી અને મોટો ભાઈ જોબ કરે છે. હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું. મારું આખું ફેમિલી ભાજપ તરફી છે, પરંતુ મને મારા નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા પરિવારે આપી છે. પાટીદાર આંદોલન સમયે જે ભોગવવું પડ્યું એના લીધે જ હું કોંગ્રેસ જોડે જોડાયો છું.