રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ગઈકાલે વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલો કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. પાક પલળી જતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ખેડૂતો માટે આ સીઝન શરૂઆતથી જ મુશ્કેલીઓથી ભરેલી રહી છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતા વાવેતર અને પાકને નુકસાન થયું હતું. ત્યારબાદ ખેડૂતોએ ભારે મહેનત અને ખર્ચ કરીને થોડોઘણો પાક બચાવ્યો હતો. પરંતુ હવે પાક તૈયાર થવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની આશા પર ફરી પાણી ફરી વળ્યું છે.
મહત્ત્વની વાત એ છે કે તાજેતરમાં સરકારે કેટલાક જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ રાજકોટ જિલ્લાનો તેમાં સમાવેશ થયો નથી. જેથી ખેડૂતોમાં અગાઉથી જ ચિંતા હતી. હવે કમોસમી વરસાદે તેમની મુશ્કેલીમાં વધારો કર્યો છે. એક તરફ ખેતી પાછળ કરેલો ખર્ચ અને બીજી તરફ તૈયાર પાકને થયેલું નુકસાન, ત્યારે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
હવે સવાલ એ છે કે કુદરતી આફતો સામે ઝઝૂમી રહેલા ધોરાજીના ખેડૂતોને સરકાર ક્યારે સહાયનો હાથ આપશે? ખેડૂતોની નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવશે કે પછી ખેડૂતોને વધુ એક વખત મુશ્કેલીનો સામનો કરવો પડશે?