સત્ય. સાહસ. સંકલ્પ.

ધોરાજીના ખેડૂતોને શિયાળુ પાક માટે નિયમિત વીજ પૂરવઠાની માંગ, ઓછા વરસાદ પછી બીજી ચિંતા

ધોરાજીના ખેડૂતોને શિયાળુ પાક માટે નિયમિત વીજ પૂરવઠાની માંગ, ઓછા વરસાદ પછી બીજી ચિંતા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર પહેલાં વીજ પૂરવઠાની ચિંતા સતાવી રહી છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે ચોમાસુ પાકમાં ખેડૂતોને નુકસાન થયું છે. હવે શિયાળુ પાકના વાવેતર સમયે પૂરતો અને નિયમિત વીજ પૂરવઠો ન મળે તો નુકસાન વધુ ઊંડું થવાની શક્યતા છે.

ઓછા વરસાદની અસર કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો પર દેખાઈ છે. કેટલાક વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયો છે, તો કેટલાકમાં ઉત્પાદન નોંધપાત્ર ઘટ્યું છે. ચોમાસામાં થયેલી ખોટ પછી ખેડૂતોની નજર શિયાળુ પાક પર છે, પણ વીજ પૂરવઠો અનિયમિત રહે તો વાવેતરમાં વિલંબ થઈ શકે છે.

ખેડૂતોનું કહેવું છે કે વાવેતર સમયસર ન થાય અથવા વાવેતર પછી પાકને પૂરતું પાણી ન મળે તો ઉત્પાદન પર સીધી અસર પડશે. આથી તેઓ સરકાર પાસે શિયાળુ વાવેતરની સિઝન દરમિયાન વીજ કાપ ટાળવા અને નિયમિત પૂરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે.

ખેડૂતોની માંગ છે કે સરકાર વીજ કંપનીઓ સાથે સંકલન કરી આગોતરું આયોજન કરે, જેથી અનિયમિત પૂરવઠાને કારણે ખેડૂતોને વધારાનું નુકસાન ન સહેવું પડે.