સત્ય. સાહસ. સંકલ્પ.

ધોની IPLમાંથી નિવૃત્ત, હવે CSKના મેન્ટર: 19 સીઝનમાં 5 IPL અને 2 ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતાડ્યા

ધોની IPLમાંથી નિવૃત્ત, હવે CSKના મેન્ટર: 19 સીઝનમાં 5 IPL અને 2 ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતાડ્યા

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ મંગળવારે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમનો મેન્ટર નિયુક્ત કર્યો છે. આ સાથે ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમની કેપ્ટનશીપમાં CSKએ 5 IPL ટાઇટલ અને 2 ચેમ્પિયન્સ લીગ T20 ટાઇટલ જીત્યા છે. IPLના ઇતિહાસમાં કોઈપણ કેપ્ટનના નામે આટલા ટાઇટલ નથી.

CSKના માલિક એન. શ્રીનિવાસને કહ્યું, “ધોની વગર CSKની કલ્પના કરી શકાતી નથી. આ લગભગ 20 વર્ષનો સાથ છે. 2008માં મેં જ તેમને ટીમમાં સામેલ કરવાની વાત કહી હતી. આ મારો સૌથી સારો નિર્ણય હતો. ધોની હંમેશાં CSKની ઓળખ રહેશે અને આ ટીમ તેમનું ઘર રહેશે.”

ધોનીએ 19 વર્ષ સુધી IPL રમીને 278 મેચમાં 5,439 રન બનાવ્યા છે. તેમનો બેટિંગ એવરેજ 38.30 અને સ્ટ્રાઇક રેટ 137.45 રહ્યો છે. CSK માટે તેમણે 272 મેચ રમીને 5,314 રન બનાવ્યા છે. ચેન્નઈ માટે તેમનાથી વધુ રન ફક્ત સુરેશ રૈનાએ બનાવ્યા છે. ધોનીએ પોતાની કારકિર્દીમાં ફિનિશરની ભૂમિકા ભજવી છે અને છેલ્લા બોલે મેચ જીતાડનારા તેમના શોટ્સ તથા હેલિકોપ્ટર શોટ આજે પણ યાદગાર છે.

ચેન્નઈનાં અન્ય માલિક રૂપા ગુરુનાથે જણાવ્યું કે શનિવારે વીડિયો કૉલ પર 2027 સીઝન માટે ચેન્નઈમાંથી રિલીઝ થનારા ખેલાડીઓ અંગે ચર્ચા થઈ રહી હતી. ત્યારે ધોનીએ હળવાશથી કહ્યું કે “કદાચ તમારે તેમાં મારું નામ પણ ઉમેરી દેવું જોઈએ.”

ધોનીએ CSK સાથે 17 સીઝન વિતાવી છે. 2016 અને 2017માં ટીમ પર પ્રતિબંધ હોવાને કારણે તેમણે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે રમવું પડ્યું હતું. CSKએ કહ્યું છે કે ધોની જેવો ખેલાડી જીવનમાં એક જ વાર આવે છે. તેમની કેપ્ટનશીપ, સાદગી અને અનુભવ ટીમ માટે હંમેશાં ખાસ રહેશે. મેન્ટર તરીકે તેઓ યુવા ખેલાડીઓને આગળ વધવામાં મદદ કરશે.