સત્ય. સાહસ. સંકલ્પ.

IPLમાં ધોનીની વિદાય: 5 ટ્રોફી, 5439 રન અને 201 કરોડની કમાણી

IPLમાં ધોનીની વિદાય: 5 ટ્રોફી, 5439 રન અને 201 કરોડની કમાણી

ભારતીય ક્રિકેટના સૌથી લોકપ્રિય કૅપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ સાથે જ ચાહકોના પ્રિય 'થાલા' હવે IPL 2027ની સિઝનમાં રમતા જોવા મળશે નહીં. ધોની હવે CSKના મેન્ટર તરીકે નવી ભૂમિકા નિભાવશે.

વર્ષ 2008માં IPLની શરૂઆતથી જ CSK સાથે જોડાયેલા ધોનીએ પોતાની કૅપ્ટનશીપથી ટીમને 5 IPL ટ્રોફી અને 2 ચેમ્પિયન્સ લીગ T20 ટાઇટલ અપાવ્યા હતા. કૅપ્ટન તરીકે તેમણે 136 મેચમાં જીત મેળવી છે, જે કોઈપણ કૅપ્ટન માટે સિદ્ધિ છે.

ધોનીએ IPLમાં કુલ 278 મેચ રમી છે. 242 ઇનિંગ્સમાં 38.3ની સરેરાશ અને 137.45ના સ્ટ્રાઇક રેટથી 5439 રન બનાવ્યા છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 84 રન (અણનમ) છે અને 24 અડધી સદી ફટકારી છે. 100 વખત અણનમ રહીને તેમણે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સાથે જ 375 ચોગ્ગા અને 264 છગ્ગા ફટકાર્યા છે. 18 વખત પ્લેયર ઑફ ધ મેચનો ઍવૉર્ડ પણ મળ્યો છે.

વિકેટકીપર તરીકે ધોનીએ 205 શિકાર કર્યા છે, જેમાં 158 કેચ અને 47 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.

IPLમાં તેમની કુલ કમાણી આશરે 201.06 કરોડ રૂપિયા થાય છે. 2008માં CSKએ તેમને 1.5 મિલિયન ડૉલર (આશરે 6 કરોડ રૂપિયા)માં ખરીદ્યા હતા. 2018થી 2020 સુધી તેમને દર વર્ષે 15 કરોડ રૂપિયા મળ્યા હતા.

2024માં ધોનીએ કૅપ્ટનશીપ ઋતુરાજ ગાયકવાડને સોંપી હતી, પરંતુ 2025માં ગાયકવાડ ઈજાગ્રસ્ત થતાં તેમણે ફરી જવાબદારી સંભાળી. 2026ની સિઝનમાં પિંડીની ઈજાને કારણે ધોની મેદાન પર નહોતા, પણ ડગઆઉટમાંથી ટીમનો ઉત્સાહ વધારતા રહ્યા. હવે ખેલાડી તરીકેની તેમની IPL સફર પૂરી થઈ છે.