ભારતના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીએ આઈપીએલમાં પોતાનું ભવિષ્ય શું રહેશે તે અંગેની અટકળો પર મૌન તોડ્યું છે. બેંગલુરુમાં આયોજિત એક હેલ્થકેર ઇવેન્ટમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આગામી આઈપીએલ સિઝનમાં પણ રમતા જોવા મળશે. જવાબમાં 45 વર્ષીય ધોનીએ હસતાં-હસતાં કહ્યું કે તેમણે ફિટનેસની કસોટીમાંથી પસાર થવું પડશે અને ડિસેમ્બર પહેલાં આ અંગે નિર્ણય લેશે.
ધોનીએ મજાકમાં વિન્ટેજ કારનું ઉદાહરણ આપતાં કહ્યું, "ડૉક્ટર, મારે ટેસ્ટમાંથી પસાર થવું પડશે. તમારે મને રિપોર્ટ આપવો પડશે અને પછી ડિસેમ્બર પહેલાં મારે જોવું પડશે કે હું વધુ એક સિઝન રમવા માટે કેટલો ફિટ છું." તેમણે ઉમેર્યું કે જો તેઓ ફિટ નહીં રહી શકે તો ડોક્ટરોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે આ 'જૂની વિન્ટેજ ગાડી' રસ્તા પર સારી રીતે દોડતી રહે. આમ કહીને તેમણે હાજર લોકોને હસાવ્યા.
નોંધનીય છે કે ધોની ફિટનેસ સમસ્યાઓના કારણે આઈપીએલની પૂરી સિઝન રમી શક્યા ન હતા. હવે તેમણે ડિસેમ્બર પહેલાં પોતાના ભવિષ્ય અંગે અંતિમ નિર્ણય લેવાનું જણાવ્યું છે.
આ કાર્યક્રમમાં ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના તાજેતરના પ્રદર્શન અંગે પણ નિખાલસતાથી વાત કરી. તેમણે સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ માટે સમય મુશ્કેલ રહ્યો છે અને સીએસકેએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે કાગળ પર ટીમ ગમે તેટલી મજબૂત દેખાય, પણ મેદાન પર તે ચોક્કસ દિવસે કેવું પ્રદર્શન કરો છો તે સૌથી મહત્ત્વનું છે. રમતનું ફોર્મેટ જેટલું નાનું હોય, તેટલું જ ઉત્કૃષ્ટ ટીમો વચ્ચેનું અંતર ઘટે છે. સીએસકેના સંઘર્ષ વિશે તેમણે કહ્યું કે આ વાસ્તવિકતા છે અને તેનાથી મોં ફેરવવાનો કોઈ અર્થ નથી.
ધોનીએ પ્રતિસ્પર્ધી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના પ્રદર્શનની પણ ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જિંદગીમાં ક્યારેક સારા તો ક્યારેક ખરાબ દિવસો આવે છે, પરંતુ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળીને ટીમ તરીકે આગળ વધવું સૌથી મહત્ત્વનું છે. જ્યારે ચેન્નઈની ટીમ સતત જીતી રહી હતી ત્યારે પણ તેમને ખબર હતી કે એક દિવસ હારનો સામનો કરવો પડશે. ધોનીએ ઉમેર્યું કે ખરાબ સમયમાં જ ટીમ અને ખેલાડીઓના વાસ્તવિક ચરિત્રની પરીક્ષા થાય છે. આરસીબીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ આ મામલે પાછળ રહી ગઈ હોવાનું તેમણે સ્વીકાર્યું.