સત્ય. સાહસ. સંકલ્પ.

IPL 2027માં ધોની રમશે? ચેન્નઈ સુપર કિંગ્સે આપ્યો મોટો જવાબ

IPL 2027માં ધોની રમશે? ચેન્નઈ સુપર કિંગ્સે આપ્યો મોટો જવાબ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને વર્ષો વીતી ગયા હોવા છતાં મહેન્દ્ર સિંહ ધોનીનો ચાહકોમાં ક્રેઝ ઓછો થયો નથી. હવે દુનિયાભરના ક્રિકેટ રસિકો જાણવા આતુર છે કે ધોની IPL 2027માં રમતા જોવા મળશે કે નહીં. આ અસમંજસ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સીઈઓ કાશી વિશ્વનાથને એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ચાહકોમાં નવી આશા જગાવી છે.

ચેન્નાઈમાં મીડિયા સાથે વાત કરતાં કાશી વિશ્વનાથને જણાવ્યું કે, “ધોનીમાં હજુ ક્રિકેટ બાકી છે અને તેઓ વધુ એક આખરી સીઝન રમવાનો પૂરો પ્રયાસ કરશે. જોકે, IPL 2027માં રમવું કે નહીં તેનો અંતિમ નિર્ણય ફ્રેન્ચાઈઝીએ સંપૂર્ણપણે ધોની પર છોડી દીધો છે. જ્યારે ધોની ચેન્નાઈ આવશે ત્યારે પોતાનો નિર્ણય જણાવશે, પરંતુ તેઓ CSK માટે રમતા રહે તેવી પૂરી શક્યતા છે.”

45 વર્ષીય ધોની IPL 2026ની આખી સીઝનમાં ટીમ સાથે જોડાયેલા રહ્યા હતા, પરંતુ સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે તેઓ પ્લેઇંગ 11માં સામેલ થઈ શક્યા નહોતા. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પણ તેઓ મેદાનમાં ઉતર્યા નહોતા. વધતી ઉંમરને લીધે દરેક સીઝન પહેલાં તેમના ભવિષ્ય અંગે ચર્ચાઓ શરૂ થાય છે.

ચેપોક સ્ટેડિયમમાં CSKના લેપ ઓફ ઓનર દરમિયાન ધોનીની ઉપસ્થિતિ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર અને તેમના જૂના સાથી સુરેશ રૈનાએ પણ પ્રતિક્રિયા આપી હતી. રૈનાએ ધોનીને IPL 2027 માટે મેદાનમાં વાપસી કરવાની ખાસ અપીલ કરી છે. હાલમાં ચાહકો અને ક્રિકેટ વર્તુળોમાં ધોનીના ભવિષ્ય અંગે ચર્ચા ચાલી રહી છે, અને CSKના CEOના નિવેદનથી આશા જળવાઈ છે કે તેઓ એક વધુ સીઝન રમી શકે છે.