સત્ય. સાહસ. સંકલ્પ.

ધોળકામાં ગટર-કેમિકલ મિશ્રિત પાણી ભરાયું: 250 ઘરો બેઘર જેવા, શાળામાં 350માંથી માત્ર 70 બાળકો હાજર

ધોળકામાં ગટર-કેમિકલ મિશ્રિત પાણી ભરાયું: 250 ઘરો બેઘર જેવા, શાળામાં 350માંથી માત્ર 70 બાળકો હાજર

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બુટ ભવાની વિસ્તાર અને કેડીલા ઝૂંપડપટ્ટીમાં ગટર તથા કેમિકલ મિશ્રિત ગંદું પાણી ભરાતાં સ્થાનિક લોકોની હાલત ગંભીર બની છે. અંદાજે 250 મકાનોમાં 3થી 4 ફૂટ સુધી દૂષિત પાણી ભરાયું છે, જેના કારણે રહીશોની ઘરવખરીને નુકસાન થયું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ભેટાવાડા આંદોલનને પગલે કાંસ બંધ થઈ જતાં પાણીના નિકાલની વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ અને ત્યારબાદ આ વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યું. ગટરનું પાણી અને કેમિકલવાળું પાણી ઘરોમાં ભરાતાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓને રોજિંદી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અસર શાળાના શિક્ષણ પર પણ પડી છે. શ્રી બુટ ભવાની પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પાણી ભરાતાં નોંધાયેલા 350 વિદ્યાર્થીઓમાંથી હાલ માત્ર 70થી 80 બાળકો જ હાજર રહી શકે છે. જેથી બાળકોનું ભણતર અટકી પડ્યું છે.

આ સમસ્યાના કાયમી અને ઝડપી નિકાલ માટે ગ્રામજનોએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે, ટૂંક સમયમાં ગંદા અને કેમિકલવાળા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થાય તો અસરગ્રસ્ત લોકો ધોળકા નગરપાલિકા અને પ્રાંત કચેરી ખાતે વસવાટ કરવા પહોંચશે.