સત્ય. સાહસ. સંકલ્પ.

ધોળકામાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની રેલી, ફેક્ટરીઓ સામે કાર્યવાહીની માંગ

ધોળકામાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની રેલી, ફેક્ટરીઓ સામે કાર્યવાહીની માંગ

ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસદ, આંબારેલી, પાલડી અને નેસડા સહિત પાંચ ગામોના ખેડૂતો અને મહિલાઓએ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સામે ધોળકા ખાતે વિશાળ રેલી કાઢી હતી. ખેડૂત સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો.

ખેડૂતોનું કહેવું છે કે ફેક્ટરીઓમાંથી નીકળતું દૂષિત પાણી ખેતીની જમીનને બંજર બનાવી રહ્યું છે. આ પાણી પીવાથી અને તેના સંપર્કમાં આવવાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 15થી 20 વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

ગત દિવસોમાં આંદોલનકારી ખેડૂતોએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનો કાફલો રોક્યો હતો. તેમજ ભેટાવાડા ગામમાં મહિલાઓએ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના નામના છાજિયા લઈને વિરોધ કર્યો હતો. સરોડા ગામે 2017થી ફાળવવામાં આવેલી જમીનનો કબજો ન મળવા અંગે પણ ખેડૂતોમાં રોષ છે.

રેલીમાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી, સામાજિક કાર્યકર પીન્ટુ કોળી અને રમેશ મેર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોની લડાઈમાં આખરી શ્વાસ સુધી સાથે રહેવાની ખાતરી આપી હતી. ખેડૂતોએ ગળામાં ગંદા પાણીની બોટલો લટકાવીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ખેડૂતોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરીને સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ ગાંધીનગર અને દિલ્હી કૂચ કરવા મજબૂર થશે. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે આ સરકારને પાડવા માટેની આ પહેલી રેલી છે.