અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની યાત્રા દરમિયાન ખેડૂતોએ જોરદાર વિરોધ કર્યો હતો. લાંબા સમયથી ચાલી આવતી પડતર માંગણીઓને લઈને ખેડૂતો તેમને આવેદનપત્ર આપવા માંગતા હતા, પરંતુ પોલીસે કાયદો અને વ્યવસ્થાનું કારણ જણાવીને ખેડૂતોને મંત્રી સુધી પહોંચવા દીધા ન હતા.
આથી ગુસ્સે ભરાયેલા ખેડૂતો સભાસ્થળની બહાર એકઠા થઈ ગયા અને મંત્રીની કારને ઘેરી લીધી. તેમણે સૂત્રોચ્ચાર સાથે એક કલાકથી વધુ સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસ કાફલાએ બળપ્રયોગ કરીને ખેડૂતોને રસ્તાની બાજુમાં ખસેડ્યા બાદ મંત્રી અને ધારાસભ્યના કાફલાને ત્યાંથી રવાના કર્યો હતો.
ખેડૂતોની માંગણીઓમાં 17 ખેડૂતોને તેમની ખેતીલાયક જમીન તાત્કાલિક પરત આપવી, અસામાજિક તત્વોએ ગેરકાયદે કબજો કરેલી જમીન ખાલી કરાવવી અને જમીન ટ્રાન્સફરની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ અપાયેલી સનદ આપવી વગેરેનો સમાવેશ થાય છે. ખેડૂતોએ કહ્યું કે, "અમે કોઈ અશક્ય માંગ નથી કરી રહ્યા, પરંતુ અમારા હક માટે લડી રહ્યા છીએ."
ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.