સત્ય. સાહસ. સંકલ્પ.

ધોળકામાં ખેડૂતોનો બંધ: કેમિકલયુક્ત પાણીથી 10 હજાર એકર જમીન બંજર, પ્રાંત કચેરી ઘેરાવ

ધોળકામાં ખેડૂતોનો બંધ: કેમિકલયુક્ત પાણીથી 10 હજાર એકર જમીન બંજર, પ્રાંત કચેરી ઘેરાવ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં નગરપાલિકા અને આસપાસની કંપનીઓના કેમિકલયુક્ત પાણીની સમસ્યા સામે પાંચ ગામોના ખેડૂતોએ આજે (24 સપ્ટેમ્બર) બંધનું એલાન આપ્યું છે. ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે.

ભેટાવાડા, અંબારેલી, નેસડા, ત્રાસદ, પીસાવાડા અને પાલડી સહિતના ગામોના ખેડૂતો ધોળકા APMC ચોકડી ખાતે એકઠા થયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી કેમિકલયુક્ત દૂષિત પાણીના કારણે 10 હજાર એકરથી વધુ ફળદ્રુપ જમીન બંજર બની ગઈ છે. એક સમયે 'ફૂલોની નગરી' તરીકે ઓળખાતા આ ગામો આજે ઉજ્જડ થઈ ગયા છે. ઝેરી પાણીના કારણે અનેક લોકોને ચામડીના ગંભીર રોગો થયા હોવાના અને કેન્સરથી મોત થયા હોવાના આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યા છે.

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ પાંચેય ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરીને આંદોલનની જાહેરાત કરી હતી. ખેડૂતોના આંદોલનને વિવિધ ક્ષેત્રોના આગેવાનો અને રાજકીય નેતાઓનું સમર્થન પણ મળ્યું છે.

બંધના એલાન અને રેલીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. કોઈ અણબનાવ ન થાય તે માટે ત્રાંસદ ચોકડી અને ધોળકા APMC ચોકડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.