અમદાવાદના ધોળકા તાલુકાના માંડણપુરા ગામની સીમમાં 1 નવેમ્બરની રાત્રે ઈંટના ભઠ્ઠાના શ્રમિક પવન કુમારની હત્યા થઈ હતી. પવને ભોલેરામ ચૌહાણ સાથે અનૈતિક સંબંધો બાંધવા બળજબરી કરતા ભોલેરામે પટ્ટાથી ટૂંપો દઈને પવનને મોતને ઘાટ ઉતાર્યો હતો. ધોળકા ગ્રામ્ય પોલીસે આરોપી ભોલેરામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ઉત્તર પ્રદેશનો વતની હતો.
મૃતક વ્યક્તિની ઓળખ પવન કુમાર ઉર્ફે કમાન્ડર તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાનો વતની હતો. તે શ્રમિકોના એક જૂથ સાથે ગુજરાતમાં માંડણપુરા વિસ્તારમાં આવેલા ઈંટના ભઠ્ઠા પર કામ કરવા આવ્યો હતો. આ ઘટના ગામની સીમમાં આવેલી કેનાલ નજીક રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, પવન કુમાર અને ભોલેરામ રાત્રે જમવાના સમયે કંઈક લેવા માટે ભઠ્ઠા પરથી સાથે નીકળ્યા હતા. લાંબા સમય સુધી બંને પાછા ન ફરતાં શ્રમિકોના સુપરવાઈઝર તેમની શોધખોળ કરવા નીકળ્યા હતા. રાત્રે આશરે 10 વાગ્યે કેનાલ નજીક શોધખોળ દરમિયાન ભોલેરામ વચ્ચો મળ્યો હતો. પૂછપરછ દરમિયાન ભોલેરામે જણાવ્યું કે, પવન કુમારે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝઘડા દરમિયાન ભોલેરામે પટ્ટા વડે પવનનું ગળું ટૂંપી દીધું હતું.
ત્યારબાદ સુપરવાઈઝર ભોલેરામને સાથે લઈને નજીકના એક ખેતરમાં ગયા હતા, જ્યાંથી પવનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં સુપરવાઈઝર આરોપીને પકડી ઈંટના ભઠ્ઠા પર પરત લઈને પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ભઠ્ઠાના માલિકને જાણ કરી હતી.
મૃતકના મોટા ભાઈની ફરિયાદના આધારે ધોળકા ગ્રામ્ય પોલીસે 2 નવેમ્બરે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની હત્યા અંગેની કલમ હેઠળ FIR નોંધી હતી. પોલીસે 3 નવેમ્બરે સાંજે આશરે 5.30 વાગ્યે ભોલેરામની ધરપકડ કરી હતી. ભોલેરામ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાનો વતની છે અને તે માંડણપુરા વિસ્તારમાં આવેલા ઈંટના ભઠ્ઠા પર જ રહીને કામ કરતો હતો.
બીજી તરફ, યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.