અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પાંચ ગામોમાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના નિકાલ સામે ખેડૂતોનું આંદોલન છેલ્લા 25 દિવસથી ચાલી રહ્યું છે. આ આંદોલનને સમર્થન આપવા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે.
મેવાણીએ ભેટાવાડા, નેસડા, પાલડી, આંબારેલી અને ત્રાસદ ગામોની મુલાકાત લઈને સ્થાનિક લોકોની વેદના જાણી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા અને ખાનગી કંપનીઓની મિલીભગતથી ઝેરી અને કેમિકલયુક્ત પાણી ખુલ્લેઆમ છોડવામાં આવે છે, જેના કારણે ધોળકા તાલુકાની 10,000 એકર ફળદ્રુપ જમીન બરબાદ થઈ ગઈ છે.
મેવાણીએ એવો પણ દાવો કર્યો છે કે પ્રદૂષણને કારણે વિસ્તારમાં 54 લોકોના કેન્સર જેવી બીમારીથી મોત થયા છે. તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે શાસકો ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરી રહ્યા છે.
આ મુદ્દે રોષ વ્યક્ત કરતા મેવાણીએ 24મી તારીખે 'ધોળકા બંધ'નું એલાન આપ્યું છે. તેમણે પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી કાઢવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
તેમણે પ્રશાસનને ચેતવણી આપી છે કે જો દૂષિત પાણીની સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે, તો 2027ની ચૂંટણીમાં શાસક પક્ષે ગંભીર પરિણામો ભોગવવા પડશે.