સત્ય. સાહસ. સંકલ્પ.

ધોળકાનું બદરખા ગામ વરસાદ વગર પાણીમાં ડૂબ્યું, 3 મહિનાથી લોકો પરેશાન

ધોળકાનું બદરખા ગામ વરસાદ વગર પાણીમાં ડૂબ્યું, 3 મહિનાથી લોકો પરેશાન

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું બદરખા ગામ છેલ્લા બે-ત્રણ મહિનાથી પાણીમાં ગરકાવ છે. આ સમયગાળા દરમિયાન ગામમાં વરસાદ નથી પડ્યો, છતાં ગામના ઘણા ભાગોમાં દૂષિત પાણી ભરાયેલું રહ્યું છે. ગ્રામજનો મુજબ, આ પાણીના કારણે તેમનું જીવન દુષ્કર બની ગયું છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે પાણી નિકાલ માટે તંત્રએ શરૂઆતમાં પંપ મૂક્યા હતા, પરંતુ માત્ર બે દિવસમાં તે પંપ પાછા ખેંચી લેવાયા. આથી પરિસ્થિતિ જેમની તેમ રહી. ગામના અન્ય વિસ્તારોમાં માટી અને કચરો નાખીને રસ્તા ઊંચા કરવામાં આવ્યા, પરંતુ રામદેવપીર મંદિર વિસ્તારમાં આવી કોઈ કામગીરી થઈ નથી. પરિણામે ત્યાંના વેપારીઓના ધંધા-રોજગાર પર અસર પડી છે અને દુકાનોમાં પાણી ભરાઈ રહેતાં આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

ગ્રામજનોએ જણાવ્યું કે પાણી ભરાવાના કારણે ઈમરજન્સી સમયે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકતી નથી. લોકોને અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. લાંબા સમયથી પાણી ભરાયેલું રહેતાં તેનો રંગ બદલાઈ ગયો છે અને દુર્ગંધ આવે છે. સ્થાનિક રહીશોમાં પગમાં ખંજવાળ અને ત્વચાની બીમારીઓ ફેલાવાની શરૂઆત થઈ છે.

ગામની મહિલાઓએ સરપંચ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. રામાપીર મંદિર પાસે રહેતા સીતાબહેન પરભાતભાઈ ઠાકોર અને અન્ય મહિલાઓએ કહ્યું કે સરપંચ સ્થળ પર પરિસ્થિતિ જોવા પણ આવતા નથી. તેમનું કહેવું છે કે સરપંચે પોતાના ખેતર તરફ જવાનો રસ્તો અને કંપની બનાવી દીધી, પરંતુ સામાન્ય રહીશો માટે રસ્તો કે અન્ય સુવિધા આપવાની દાનત દાખવી નથી. મહિલાઓએ સવાલ ઉઠાવ્યો છે કે, "શું અમારે રસ્તાની જરૂર નથી? શું અમે માણસો નથી?"

ગામના રહીશો અને મહિલાઓએ દૂષિત પાણી અને રસ્તાની સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને સરપંચ ક્યારે જાગે છે અને બદરખા ગામના રહીશોને આ સ્થિતિમાંથી મુક્તિ ક્યારે મળે છે.