ધોલેરા સ્માર્ટ સિટીમાં રોકાણના નામે દેશભરના હજારો લોકો પાસેથી કરોડો રૂપિયા એકઠા કરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. જયપુર EDએ નેક્સા એવરગ્રીન ગ્રૂપની ₹34.91 કરોડની જંગમ અને સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે ટાંચમાં લીધી છે.
મની લોન્ડરિંગ અટકાવવાના કાયદા (PMLA) હેઠળ કરાયેલી આ કાર્યવાહી બાદ આ કેસમાં અત્યાર સુધી જપ્ત થયેલી સંપત્તિનો આંકડો આશરે ₹52 કરોડ થઈ ગયો છે.
ટાંચમાં લેવાયેલી સંપત્તિમાં 69 સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ₹29.37 કરોડ છે. આમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધૂકામાં આવેલી જમીનો તથા રેસિડેન્શિયલ પ્લોટ, અમદાવાદ અને રાજસ્થાનના સીકરમાં આવેલા ફ્લેટ તેમજ ગોવાના કલાંગુટ ખાતે આવેલા 'શાઇનિંગ સેન્ડ બીચ રિસોર્ટ'માં 45% શેરહોલ્ડિંગનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નેક્સા એવરગ્રીન સાથે સંકળાયેલી સંસ્થાઓના 26 બેંક ખાતામાં જમા ₹5.54 કરોડની રોકડ પણ ફ્રીઝ કરવામાં આવી છે.
EDની તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રણવીર બિજાર્ણિયા અને સુભાષચંદ્ર બિજાર્ણિયા હતા. તેમણે રોકાણકારોને ખાતરી આપી હતી કે તેમનું નાણું ધોલેરા સ્માર્ટ સિટીમાં લેન્ડ ડેવલપમેન્ટ અને પ્લોટિંગ પ્રોજેક્ટમાં રોકાય છે.
રોકાણકારોને 60 અઠવાડિયા સુધી દર અઠવાડિયે 3% વળતર અથવા પ્લોટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. સાથે મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) હેઠળ નવા રોકાણકારો લાવનારને કમિશન તથા લેપટોપ, બાઇક અને કાર જેવી ભેટો આપીને મોટું નેટવર્ક ઊભું કરાયું હતું.
વર્ષ 2019થી 2023 દરમિયાન આ ગ્રૂપે આશરે ₹2,676 કરોડ એકઠા કર્યા હતા. કંપનીના ડેટા વિશ્લેષણ પ્રમાણે 47,664 રોકાણકારોને તેમણે રોકેલી મૂડી કરતાં ઓછી રકમ પરત મળી હતી. કુલ ₹932.54 કરોડની ખોટ સામે આવી છે.
તપાસ અનુસાર, આરોપીઓએ કૌભાંડનું નાણું છુપાવવા શેલ કંપનીઓ, LLP અને બોગસ પેઢીઓનું જાળું ઊભું કર્યું હતું. નવા રોકાણકારોના પૈસામાંથી જૂના રોકાણકારોને વળતર ચૂકવાયું અને બાકીની રકમમાંથી બેનામી મિલકતો ખરીદવામાં આવી. ED આ કેસમાં આગળની નાણાકીય કડીઓની તપાસ કરી રહ્યું છે.