સત્ય. સાહસ. સંકલ્પ.

ધોલેરામાં સેમીકંડક્ટર અને ડેટા સેન્ટર: 50 હજાર નોકરીની તક, ગુજરાત ટેક હબ તરફ

ધોલેરામાં સેમીકંડક્ટર અને ડેટા સેન્ટર: 50 હજાર નોકરીની તક, ગુજરાત ટેક હબ તરફ

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027 પહેલાં, રાજ્ય સરકારે સેમીકંડક્ટર અને ડેટા સેન્ટર ક્ષેત્રમાં મોટા રોકાણની યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વૈશ્વિક રાજદ્વારી વર્તુળો સાથે ચર્ચા કરી છે. આ સમિટ 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરમાં યોજાશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના સચિવ પી. ભારથીના જણાવ્યા અનુસાર, રાજ્ય હવે ટેક હબ તરીકે ઉભરી રહ્યું છે. સેમીકંડક્ટર અને ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ રાજ્યની આર્થિક ઇકોસિસ્ટમને બદલી નાખશે.

હાલમાં ગુજરાતમાં સેમીકંડક્ટરના છ પ્લાન્ટ આયોજિત છે. સાણંદમાં માઇક્રોન, CG સેમી અને કેયન્સ કંપનીના પ્લાન્ટ કાર્યરત છે, જે વેફર પેકેજિંગ કરે છે. સુરતમાં સુચિ સેમિકોન કંપનીએ હવે વેફર અને ચિપ ઉત્પાદન શરૂ કર્યું છે. ધોલેરામાં ટાટા અને ક્રિસ્ટલ મેટ્રિક્સના પ્લાન્ટ બની રહ્યા છે, જ્યાં FAB વેફર (વેફર ફેબ્રિકેશન) થશે, એટલે કે કાચા સિલિકોનમાંથી ચિપ્સ બનાવવામાં આવશે.

આ છ પ્લાન્ટમાંથી આશરે 50,000 નોકરીની તકો ઊભી થવાની ધારણા છે. જોકે, આ નોકરીમાં ટેકનિશિયન, ડિપ્લોમા ધારકો અને એન્જિનિયરોની જરૂર પડશે. AI-આધારિત પ્લાન્ટ હોવાથી AIનું જ્ઞાન ધરાવતા યુવાનો માટે લાભ થશે. ડેટા સેન્ટરમાં પણ કોડિંગ, સર્વર જાળવણી અને ડેટા મેનેજમેન્ટની કુશળતા ધરાવતા લોકો માટે તકો છે.