સત્ય. સાહસ. સંકલ્પ.

ધર્મજમાં વડીલો માટે અનોખી સેવા: રોજ ઘરે પહોંચે છે 'માની પ્રસાદી'

ધર્મજમાં વડીલો માટે અનોખી સેવા: રોજ ઘરે પહોંચે છે 'માની પ્રસાદી'

ચરોતરના ધર્મજ ગામમાં વારાહીમાતા ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ મહિનાથી એક અનોખી સેવા ચાલી રહી છે. ગામના અનેક પરિવારોના સંતાનો અભ્યાસ કે રોજગારી માટે વિદેશમાં સ્થાયી થયા છે, જેથી ગામમાં એકલા રહેતા વૃદ્ધોની સંભાળ માટે ટ્રસ્ટે આ પહેલ કરી છે. ટ્રસ્ટ દરરોજ સવારે અને સાંજે બે સમયનું ગરમાગરમ ભોજન ટિફિન મારફતે વૃદ્ધોના ઘર સુધી પહોંચાડે છે.

ટ્રસ્ટના રસોડામાં સવારે અંદાજે 150 અને સાંજે 125 જેટલા વૃદ્ધો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. આ ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી સહિત વિવિધ વાનગીઓ અને મિષ્ઠાનનો સમાવેશ થાય છે. વૃદ્ધોને દરરોજ અલગ-અલગ ભોજન મળે તે માટે મેનુમાં વિવિધતા રાખવામાં આવે છે.

આ સેવાને 'માની પ્રસાદી' નામ આપવામાં આવ્યું છે, જેથી વૃદ્ધો કોઈ સંકોચ અથવા નાનમ અનુભવ્યા વિના ભોજન સ્વીકારી શકે. તેઓ આ ભોજનને માતાજીના આશીર્વાદરૂપે માનીને ગ્રહણ કરે છે અને ટ્રસ્ટના કાર્યકરો તથા દાતાઓને આશીર્વાદ આપે છે.

વિદેશમાં સ્થાયી થયેલા ધર્મજના દાતાઓ પણ આ સેવાકાર્યમાં આર્થિક સહયોગ આપી રહ્યા છે. તેમના સમર્થનથી છેલ્લા દસ મહિનાથી આ સેવા અવિરત ચાલી રહી છે. હાલમાં વારાહીમાતા મંદિરની બાજુમાં આવેલી એક વાડીમાં ભોજન તૈયાર કરવામાં આવે છે. જોકે, સેવાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મંદિરની બાજુમાં જ આધુનિક રસોડાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે, જે પૂર્ણ થયા બાદ ત્યાંથી ભોજન તૈયાર કરીને વૃદ્ધો સુધી પહોંચાડવામાં આવશે.