સત્ય. સાહસ. સંકલ્પ.

ધર્મજમાં વૃદ્ધો માટે અનોખી ટિફિન સેવા: રોજ ૨૬૦ ટિફિન, ૯ મહિનામાં ૪૮,૦૦૦ જમાડ્યા

ધર્મજમાં વૃદ્ધો માટે અનોખી ટિફિન સેવા: રોજ ૨૬૦ ટિફિન, ૯ મહિનામાં ૪૮,૦૦૦ જમાડ્યા

આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ‘મિલિયોનેર ગામ’ તરીકે ઓળખાય છે. અહીંના ઘણા પરિવારોના સભ્યો વિદેશમાં વસે છે. પરંતુ હવે આ ગામ માત્ર વિદેશી કમાણી કે સુંદર મકાનો માટે નહીં, પણ એક માનવતાવાદી પહેલ માટે ચર્ચામાં છે. વિદેશમાં રહેતાં સંતાનો પોતાના વડીલોને પૈસા મોકલે છે, ત્યારે ગામમાં રોજ સવાર-સાંજ ઘરે ગરમ ટિફિન પહોંચે છે.

ધર્મજમાં ૯૦૦ વર્ષ જૂનું વારાહી માતાનું મંદિર છે. તેના રિનોવેશન પછી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬થી દેવી ભાગવતની કથા બેસાડવામાં આવી હતી. આ કથામાં શિવરાત્રિના દિવસે સંકલ્પ કર્યો કે વૃદ્ધો માટે ટિફિન સેવા શરૂ કરવી. તે જ દિવસથી સેવા શરૂ થઈ ગઈ. આજે તેને ૯ મહિના પૂરા થયા છે અને અત્યારસુધીમાં ૪૮,૦૦૦ લોકોને જમાડવામાં આવ્યા છે.

આ સેવા માટે કોઈ ચાર્જ લેવાતો નથી. કોઈ સ્વૈચ્છિક દાન આપે તો સ્વીકારાય છે. સેવાના ખર્ચ માટે ટ્રસ્ટે ઇનામી ડ્રો કર્યો હતો, જેમાં ૧૪ લાખની ટિકિટો વેચીને રકમ એકત્ર કરવામાં આવી હતી. હાલ આ રકમથી જ રસોડું ચાલે છે.

રોજ સવારે અને સાંજે માતાજીનો થાળ ધરાવીને ટિફિન સેવા શરૂ કરવામાં આવે છે. સવારે ૧૪૦ અને સાંજે ૧૨૦ જણને ટિફિન અપાય છે. સવારના ટિફિનમાં દાળ, ભાત, શાક અને રોટલી હોય છે. અઠવાડિયામાં બે દિવસ, ગુરુવારે અને રવિવારે મિષ્ટાનમાં મોહનથાળ અને લાડવા અપાય છે. સાંજના ટિફિનમાં મગની દાળ, રોટલા, ઢેબરા, ઓળો અને પાટુડાનો લોટ હોય છે.

સવારે જે ટિફિન આપ્યું હોય તે સાંજે અને સાંજનું ટિફિન સવારે પાછું લેવાય છે. સવારે ૧૦:૩૦ વાગ્યે ટિફિન સેવા શરૂ થાય છે અને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ઘરે ઘરે ટિફિન પહોંચાડી દેવાય છે. સાંજે ૫:૩૦થી ૬:૩૦-૭ વાગ્યા સુધી ટિફિન આપવાનું ચાલે છે. કોઈ ટ્રસ્ટના રસોડે આવે તો તેને ત્યાં પણ જમાડાય છે. લગ્ન પ્રસંગ હોય કે કોઈનું અવસાન થયું હોય, તેમને ઘરે બેઠાં ટિફિન અપાય છે.

વારાહી માતા ટ્રસ્ટના ટ્રસ્ટી બિપિનભાઈ મનુભાઈ પટેલે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે, “હું માતાજીનો ભક્ત છું અને દેવી ભાગવતની કથા બેસાડી હતી. તેમાં સંકેત મળ્યો કે ટિફિન સેવાથી ગામમાં વડીલોના આશીર્વાદ મળશે. ગ્રામજનોએ સહકાર આપ્યો એટલે મેં મારા મમ્મી-પપ્પાના નામે ટિફિનની વ્યવસ્થા કરી.”

તેમણે વધુમાં કહ્યું કે, “અમારા મંદિર કે ટ્રસ્ટ તરફથી કોઈને કંઈ કહેવામાં આવતું નથી. કોઈને પ્રેરણા થાય કે મંદિરે જમ્યા છે તો નામ લખાવે તો ઠીક છે. સિનિયર સિટિઝન્સે રોજ ફોન કરવાનો નથી. જ્યારે બહાર જવાના હોય ત્યારે માત્ર આગલા દિવસે જાણ કરવાની રહે છે. તે માટે બધાંને અમારા ફોન નંબર આપી દીધા છે. એક ટિફિન, બે ટિફિન, ત્રણ ટિફિન અને દસ ટિફિન એમ અમે હાજરી પત્રક રાખ્યું છે. શાળાની માફક રોજ હાજરી પૂરીએ છીએ. તેના આધારે કેટલાં ટિફિન છે તેની ચિઠ્ઠી બને છે. ચિઠ્ઠી કાઉન્ટર પર આવે એટલે ટિફિન ભરી આપવામાં આવે છે.”

સવારે ફોન કરીને લોકોએ નામ અને ટિફિન નોંધાવ્યા હોય તેના આધારે ચિઠ્ઠી બનાવાય છે. ચિઠ્ઠી કાઉન્ટર પર પહોંચે છે અને ઘરે પહોંચાડવાનું હોય તો ઈ-રિક્ષા પર જાય છે. જે આવી શકે તેમ હોય તેમને રૂબરૂમાં અને જે આવી શકે નહીં તેમને ઘરે બેઠાં ટિફિન અપાય છે.

ટિફિન લખાઈ જાય પછી સંખ્યા પ્રમાણે અનાજનું વજન કરીને રસોઈ બનાવવાનું શરૂ થાય છે. સવારે ૭:૩૦ વાગ્યે સ્ટાફ આવી જાય છે અને ૮ વાગ્યે કામ શરૂ થાય છે. ફરજિયાત ૧૦૦ જણની રસોઈ તો કરવાની જ હોય છે, એટલે સવારે તે પ્રમાણેનું અનાજ અને શાકભાજી જોખીને રસોઈનું કામ ચાલુ થાય છે. તેમાં કેટલો મસાલો, કેટલું તેલ વગેરે માપ પ્રમાણે કાઢી લેવામાં આવે છે. રસોઈ માટે અમૂલ અને પ્યોર સિંગતેલ વપરાય છે. આ ટિફિન સેવામાં ૧૫થી ૨૦ જણની ટીમ કામ કરે છે.