વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી સરકારી છાત્રાલયમાં જન્માષ્ટમીના મટકીફોડ વિવાદે ગંભીર વળાંક લીધો છે. ગુરુવારે મોડી રાત્રે સશસ્ત્ર ટોળાએ હોસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 6 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે 16 નામજોગ સહિત અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ વિવાદની શરૂઆત વનરાજ કોલેજ કેમ્પસ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા મટકીફોડ કાર્યક્રમ દરમિયાન બોલાચાલીથી થઈ હતી. હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને બહારના યુવકો વચ્ચેના આ વિવાદને પોલીસે તે સમયે થાળે પાડ્યો હતો, પરંતુ આરોપ છે કે કેટલાક યુવકોએ મનદુઃખ રાખીને પૂર્વઆયોજિત હુમલો કર્યો હતો.
રાત્રે લગભગ 9:30 વાગ્યે ડો. બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે લોખંડના પાઈપ, દંડા, ક્રિકેટના સ્ટમ્પ જેવા હથિયારો સાથે આવેલા ટોળાએ અંધાધૂંધ હુમલો કર્યો હતો. હુમલામાં વિનયભાઈ ગાંવિત, ઉમેશભાઈ વાઘ, તેશભાઈ ભોયા, સામેલભાઈ જાદવ, મેહુલભાઈ રાઉત અને અમુલભાઈ કોતી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે મનન પટેલ, જયદિપ પવાર, રાજ ખરવાલ, પ્રેમ માહલા અને હર્ષિલ ભીસારા સહિત 16 લોકો સામે FIR નોંધી છે. ઈજાગ્રસ્ત આદિવાસી વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સભ્યો સામે અદાવતનો આરોપ લગાવ્યો છે. પોલીસે તમામ આરોપીઓની શોધ શરૂ કરી છે.