સત્ય. સાહસ. સંકલ્પ.

જુનાગઢના મોટા ધણેજમાં ભગવાન ધન્વંતરિનું સમાધિ સ્થળ? જાણો પૌરાણિક માન્યતા

જુનાગઢના મોટા ધણેજમાં ભગવાન ધન્વંતરિનું સમાધિ સ્થળ? જાણો પૌરાણિક માન્યતા

જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના મોટા ધણેજ ગામમાં આવેલું ભગવાન ધન્વંતરિનું આશ્રમ ધનતેરસ પર્વે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક માન્યતા અનુસાર, આ સ્થળ ભગવાન ધન્વંતરિનું સમાધિ સ્થળ છે અને વિશ્વમાં તેમનો એકમાત્ર આશ્રમ અહીં આવેલો છે.

જુનાગઢથી લગભગ 60 કિલોમીટર દૂર, વ્રજમી નદીના કિનારે અને ગાઢ જંગલ વચ્ચે આવેલા આ આશ્રમ સાથે 5000 વર્ષ જૂની પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે. એવું મનાય છે કે સમુદ્રમંથન બાદ ભગવાન ધન્વંતરિ અહીં પધાર્યા હતા. આ સ્થળની એક અનોખી વિશેષતા એ છે કે અહીં રહસ્યમય સફેદ વડનું વૃક્ષ આવેલું છે. ઉપરાંત, આશ્રમ અને નદીના કિનારે અનેક દુર્લભ ઔષધીય વનસ્પતિઓ હોવાનું સ્થાનિકો જણાવે છે, જેના કારણે આયુર્વેદના અભ્યાસ માટે ડૉક્ટરો પણ અહીં મુલાકાત લે છે. આશ્રમમાં આવેલું શિવમંદિર પણ પશ્ચિમ દિશામાં મુખ હોવાને કારણે વિશેષ છે.

દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ભગવાન ધન્વંતરિના દર્શન કરવા, પોતાની માનતા પૂર્ણ કરવા અને આરોગ્ય તથા સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે મોટા ધણેજના આ પૌરાણિક સ્થળે ઉમટી પડે છે. આશ્રમ માત્ર પૂજા સ્થળ નથી, પરંતુ આયુર્વેદના પ્રાચીન જ્ઞાન અને ગુજરાતના સમૃદ્ધ પૌરાણિક વારસાનું જીવંત પ્રતીક છે. તે ખરેખર એક રહસ્યમય અને આધ્યાત્મિક કેન્દ્ર છે જે આરોગ્ય અને શ્રદ્ધાનો સમન્વય છે.

ધનતેરસના દિવસે અહીં વિશેષ પૂજન અને યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, કારણ કે આ દિવસને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરિના પૂજન માટે પવિત્ર માનવામાં આવે છે.