સત્ય. સાહસ. સંકલ્પ.

ધનતેરસ બે દિવસ ઉજવાશે, ખરીદી અને પૂજાના શુભ મુહૂર્ત જાણો

ધનતેરસ બે દિવસ ઉજવાશે, ખરીદી અને પૂજાના શુભ મુહૂર્ત જાણો

આ વખતે ધનતેરસ પર્વ બે દિવસ ઉજવાશે, જેથી ખરીદી કરવા માંગતા લોકોને વધુ તક મળશે. ત્રયોદશી તિથિ 6 નવેમ્બરે સવારે 10:30 વાગ્યાથી 7 નવેમ્બરે સવારે 10:47 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન ધનતેરસની ઉજવણી થશે.

લક્ષ્મી-કુબેર પૂજા અને યમ માટે દીપદાન 6 નવેમ્બરની સાંજે કરવાનું સૂચવવામાં આવે છે. જોકે, ખરીદી ક્યારેય પણ કરી શકાય છે, પરંતુ શુભ મુહૂર્ત માટે જ્યોતિષીય ગણતરીનો આધાર લેવાય છે.

ધનતેરસના દિવસે સોના-ચાંદીના ઘરેણાં અને સિક્કા ખરીદવા શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, આખા ધાણા અને સાવરણી ખરીદવાનું પણ વિશેષ મહત્વ છે. વેપારીઓ માટે આ દિવસ નવા વેપારી વર્ષની શરૂઆત માનવામાં આવે છે, તેથી તેઓ વહી-ખાતા ખરીદે છે.

શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા અનુસાર, દેવતાઓ અને અસુરોએ અમૃત માટે ક્ષીરસાગરનું મંથન કર્યું. તેમાંથી સુરભિ ગાય, ઉચ્ચૈઃશ્રવા ઘોડો, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, પારિજાત વૃક્ષ અને અપ્સરાઓ પ્રગટ થયાં. ત્યારબાદ દેવી લક્ષ્મી પ્રગટ થયાં અને તેમણે ભગવાન વિષ્ણુને પતિ તરીકે સ્વીકાર્યા.

જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા મુજબ, ધનતેરસના દિવસે દરેક રાશિના જાતકો માટે પોતાની રાશિ અનુસાર ખરીદી કરવી લાભદાયી ગણાય છે.

શ્રીસૂક્તના મંત્રોમાં દેવી લક્ષ્મીને સોનાના આભા સાથે સુવર્ણ-રજતના આભૂષણોથી સજ્જ દર્શાવવામાં આવ્યાં છે. બ્રિટિશ ઇતિહાસકાર જેમ્સ ટોડે 1832માં લખ્યું હતું કે, આસો કૃષ્ણ ત્રયોદશીએ લોકો સિક્કાઓને લક્ષ્મીનું પ્રતીક માનીને પૂજા કરતા હતા. આ પરંપરા વેપારી સમુદાયમાં વિશેષ પ્રચલિત હતી.