સત્ય. સાહસ. સંકલ્પ.

ધનતેરસે લક્ષ્મી, કુબેર અને ધન્વંતરિની પૂજા: જાણો સરળ મંત્ર અને વિધિ

ધનતેરસે લક્ષ્મી, કુબેર અને ધન્વંતરિની પૂજા: જાણો સરળ મંત્ર અને વિધિ

ધનતેરસને લક્ષ્મી પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, શુભ મુહૂર્તમાં ધનતેરસની પૂજા કરીને કોઈ એક મંત્રનો સંકલ્પ કરી તેનો જાપ કરવો જોઈએ. તેમણે કહ્યું કે તમામ મંત્રોની સાધના કરવી જરૂરી નથી. પોતાની જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે એક મંત્ર પસંદ કરી શકાય છે. મંત્રસાધનામાં સંખ્યા કરતાં શ્રદ્ધા, નિયમિતતા, પવિત્રતા અને સદાચારનું વિશેષ મહત્ત્વ છે.

વર્ષ ૨૦૨૬માં ધનતેરસ અને ધન્વંતરિ જયંતી શુક્રવાર, ૬ નવેમ્બરના રોજ આવે છે.

૧. મહાલક્ષ્મી મંત્ર પ્રયોગ

મંત્ર: ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ

ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મહાલક્ષ્મીની કૃપા માટે આ સરળ મંત્રનો જાપ કરી શકાય છે.

વિધિ: ધનતેરસની સાંજે મહાલક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવીને ૧, ૩ અથવા ૬ માળા જાપ કરવો.

૨. ધન-ધાન્ય અને ઐશ્વર્ય માટે વૈદિક શ્રીસૂક્ત

હિરણ્યવર્ણાં હરિણીં સુવર્ણરજતસ્રજામ્।
ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ॥

વૈદિક પરંપરામાં શ્રીસૂક્તને લક્ષ્મી આરાધનાનું વિશેષ મહત્ત્વ ધરાવતું સ્તોત્ર માનવામાં આવે છે.

વિધિ: ધનતેરસે શ્રીસૂક્તનો ૧, ૩ કે ૫ વખત પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચારણ માટે જાણકાર આચાર્યનું માર્ગદર્શન લેવું.

૩. ધનસંપત્તિના રક્ષણ અને વૃદ્ધિ માટે કુબેર મંત્ર

મંત્ર: ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે ધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા

ભગવાન કુબેરને ધનના અધિષ્ઠાતા દેવ માનવામાં આવે છે. ધન-ધાન્યની સમૃદ્ધિ, સંપત્તિના રક્ષણ અને ધનના સદુપયોગ માટે તેમની આરાધના કરવામાં આવે છે.

વિધિ: ધનતેરસની સાંજે કુબેરદેવનું પૂજન કરીને મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો.

૪. આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે ધન્વંતરિ મંત્ર

મંત્ર: ૐ ધન્વંતરયે નમઃ

સમુદ્રમંથનમાંથી અમૃતકળશ સાથે પ્રગટ થયેલા ભગવાન ધન્વંતરિને આરોગ્યના દેવતા માનવામાં આવે છે.

વિધિ: ધનતેરસે ધન્વંતરિ ભગવાન સમક્ષ દીવો પ્રગટાવીને તજ, લવિંગ અને ઈલાયચીનો પ્રસાદ અર્પણ કરવો. ત્યારબાદ એક માળા અથવા ૧૦ મિનિટ મંત્રજાપ કરીને પરિવારના આરોગ્ય અને દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરવી.

નોંધ: અહીં આપેલી માહિતી ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.