સત્ય. સાહસ. સંકલ્પ.

ધનતેરસે સોનામાં તોલાએ 3,000 રૂપિયાનો ઘટાડો, રાજકોટમાં યુવાનોમાં રોઝ ગોલ્ડની માંગ

ધનતેરસે સોનામાં તોલાએ 3,000 રૂપિયાનો ઘટાડો, રાજકોટમાં યુવાનોમાં રોઝ ગોલ્ડની માંગ

ધનતેરસના દિવસે દેશભરમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના જણાવ્યા અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 3,106 રૂપિયા ઘટીને લગભગ 1.41 લાખ રૂપિયા થયા છે, જ્યારે એક કિલો ચાંદી 5,437 રૂપિયા સસ્તી થઈને 1.81 લાખ રૂપિયા થઈ છે.

ભાવમાં આ ઘટાડાને કારણે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના જ્વેલર્સમાં ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવ નીચા હોવાથી લોકોમાં ઉત્સાહ છે.

સુરતમાં ગ્રાહકો ટોકન ખરીદીને બદલે પૂર્વ આયોજન સાથે ખરીદી કરી રહ્યા છે. ગ્રાહક શિવાની નીરજ નાનાવાલાએ જણાવ્યું કે, ગત વર્ષે ભાવ ઊંચા હોવાથી માત્ર ટોકન લીધું હતું, પરંતુ આ વખતે ભાવ ઘટ્યા છે તેથી વ્યવસ્થિત ખરીદી કરી છે અને એડવાન્સ બુકિંગ પણ કર્યું છે.

સુરતના ડી. ખુશાલભાઈ જ્વેલર્સના દીપકભાઈ ચોકસીએ જણાવ્યું કે, આ વર્ષે મંદીના માહોલને કારણે ગ્રાહકોનો પ્રવાહ ઓછો હતો, પરંતુ ભાવ ઘટતાં લોકો ખરીદી કરી રહ્યા છે. સોનામાં અંદાજે 25 ટકા અને ચાંદીમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે. લોકો લાંબા સમયથી ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા.

રાજકોટમાં સોની બજારમાં ધનતેરસની ખરીદી માટે ભીડ જોવા મળી. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો થતાં યુવાનોમાં રોઝ ગોલ્ડની માંગ વધી છે, જ્યારે મહિલાઓ વિવિધ પ્રકારના બ્રેસલેટ અને ચેનની ખરીદી કરી રહી છે.

રાધિકા જ્વેલર્સના મુકેશભાઈએ જણાવ્યું કે, આ મહિનામાં સોનાના ભાવમાં 10,000 રૂપિયા જેટલો ઘટાડો થયો છે, જે છેલ્લા આઠ-દસ મહિનાનો સૌથી નીચો ભાવ છે. લોકો ધનતેરસની ખરીદી ઉપરાંત આગામી લગ્નસરાની સીઝન માટે પણ ખરીદી કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગત વર્ષની સરખામણીમાં આ વખતે ખરીદી થોડી ઓછી થઈ શકે છે, કારણ કે ઓછો વરસાદ અને આંતરરાષ્ટ્રીય યુદ્ધ જેવા કારણો અસર કરી રહ્યા છે.

ખરીદી કરવા આવેલા અલ્પેશ મનસુખલાલ પોપટે જણાવ્યું કે, ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. તેમણે પત્ની માટે ગોલ્ડ કોઈન એક્સચેન્જ કરીને જ્વેલરી ખરીદી છે. તેમના મતે ભવિષ્યમાં ભાવ વધી શકે છે તેથી અત્યારે ખરીદી કરવી યોગ્ય છે.

ધનતેરસે સોનું ખરીદવું શુભ શકુન ગણાય છે અને લોકો આસ્થા સાથે ખરીદી કરી રહ્યા છે.