આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બરે ઉજવાશે. આ દિવસે સોનું, ચાંદી અને કિંમતી વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. પરંતુ દાગીના ખરીદતી વખતે ઘણા ગ્રાહકો બિલમાં દર્શાવેલા ચાર્જિસ પર ધ્યાન આપતા નથી, જેના કારણે તેમને વધારાનો ખર્ચ થઈ જાય છે. જ્વેલર્સના જણાવ્યા મુજબ, ચુકવણી કરતા પહેલાં બિલમાં આ પાંચ બાબતો ચકાસી લેવી જરૂરી છે.
1. ગ્રામ દીઠ સોનાનો ભાવ: બિલમાં સૌથી મોટો હિસ્સો સોનાના ભાવનો હોય છે. જ્વેલરની નીતિ અને ખરીદીના સમય અનુસાર ભાવમાં તફાવત હોઈ શકે છે. તેથી બિલમાં દર્શાવેલ ગ્રામ દીઠ ભાવ તપાસો અને તમે ખરીદી રહ્યા છો તે સોનાની શુદ્ધતા (22 કેરેટ કે 18 કેરેટ) સાથે તે મેળ ખાય છે કે નહીં તેની ખાતરી કરો.
2. ઘડામણ ચાર્જ: આ ચાર્જ દાગીનાની ડિઝાઈન અને બનાવટના ખર્ચ તરીકે લેવામાં આવે છે. જ્વેલર્સ તેને સોનાના મૂલ્યની ટકાવારી તરીકે અથવા પ્રતિ ગ્રામ નિશ્ચિત રકમ તરીકે વસૂલે છે. ખરીદી પૂરી કરતા પહેલાં આ ચાર્જ નક્કી છે કે તેમાં ઘટાડો થઈ શકે છે તે પૂછી લેવું જોઈએ.
3. વેસ્ટેજ ચાર્જ: દાગીના બનાવવા દરમિયાન વપરાતા અને વેડફાતા સોનાની ભરપાઈ માટે કેટલાક જ્વેલર્સ આ ચાર્જ વસૂલે છે. આ ચાર્જ અલગથી લેવામાં આવે છે અથવા ઘડામણ ચાર્જમાં જ સામેલ કરી દેવામાં આવે છે. બિલમાં તે કઈ રીતે લાગુ કરાયો છે તે જાણી લેવું જોઈએ, જેથી એક જ વસ્તુ માટે બે વાર ચાર્જ ન ચૂકવવો પડે.
4. હોલમાર્કિંગ ચાર્જ: હોલમાર્ક સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે. ગ્રાહકોએ BIS હોલમાર્ક અને 6 અંકનો HUID (હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન) નંબર ચકાસવો જોઈએ. જો બિલમાં હોલમાર્કિંગ ચાર્જ અલગથી દર્શાવ્યો હોય તો તેનો સ્પષ્ટ હિસાબ માગવો જોઈએ.
5. જીએસટી: સોનાના દાગીનાની ખરીદી પર કુલ રકમ (જેમાં ઘડામણ ચાર્જ પણ સામેલ હોય છે) પર સામાન્ય રીતે 3% જીએસટી લાગે છે. બિલમાં ટેક્સની ગણતરી સાચી છે કે નહીં અને ઈનવોઈસમાં લાગુ પડતો ટેક્સ સ્પષ્ટ દર્શાવ્યો છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ ચુકવણી કરવી જોઈએ.
આ પાંચ બાબતો ચકાસી લેવાથી ગ્રાહકો વધારાના ખર્ચથી બચી શકે છે અને શુદ્ધ સોનું ખરીદી શકે છે.