દિવાળીના પાંચ દિવસીય મહાપર્વની શરૂઆત ધનતેરસ એટલે કે ધનત્રયોદશીથી થાય છે. આ પર્વ આસો વદ તેરસના દિવસે ઊજવવામાં આવે છે. આ દિવસે આયુર્વેદના પ્રણેતા ભગવાન ધનવંતરી, દેવી મહાલક્ષ્મી અને ધનભંડારના રક્ષક કુબેર દેવની આરાધના કરવામાં આવે છે.
દ્રુક પંચાંગની ગણતરી મુજબ આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બર, 2026, શુક્રવારના રોજ ઊજવાશે. પંચાંગ પ્રમાણે તેરસ તિથિ 6 નવેમ્બરે સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને 7 નવેમ્બરે સવારે 10:47 વાગ્યા સુધી રહેશે. તેથી પૂજા અને ખરીદી 6 નવેમ્બરે જ કરવાની રહેશે.
પૂજાનો સમય
સાંજે લક્ષ્મી-કુબેર અને ધનવંતરી પૂજન માટેનું ઉત્તમ મુહૂર્ત સાંજે 5:50 થી રાત્રે 7:47 વાગ્યા સુધીનું રહેશે, એટલે કે 1 કલાક 56 મિનિટ. આ દરમિયાન સાંજે 5:20 થી 7:56 વાગ્યા સુધી પ્રદોષ કાળ અને સાંજે 5:50 થી 7:47 વાગ્યા સુધી વૃષભ સ્થિર લગ્ન રહેશે. આ જ દિવસે સાંજે ઘરના ઉંબરે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને 'યમ દીપમ' પ્રગટાવવાની પરંપરા પણ નિભાવવામાં આવે છે.
ખરીદીનું મુહૂર્ત
તેરસ તિથિ સવારે 10:30 વાગ્યે શરૂ થતી હોવાથી ખરીદીની શરૂઆત સવારે 10:30 વાગ્યા પછી કરવી યોગ્ય રહેશે. જ્યોતિષ ગણતરી પ્રમાણે સોનું, ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી માટે સૌથી ઉત્તમ મુહૂર્ત સાંજે 5:50 થી 7:47 વાગ્યા સુધીનું છે. આ સમય પ્રદોષ કાળ અને વૃષભ સ્થિર લગ્નનો છે. માન્યતા છે કે સ્થિર લગ્નમાં ખરીદેલી ધાતુ કે મિલકત ઘરમાં લાંબા સમય સુધી ટકે છે.
વાહન, ઇલેક્ટ્રોનિક્સ અને નવી મિલકતની નોંધણી માટે દિવસના શુભ ચોઘડિયા યોગ્ય ગણાય છે. સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી ચલ, લાભ અને અમૃત ચોઘડિયા રહેશે. ત્યારબાદ બપોરે 2:50 થી સાંજે 4:15 વાગ્યા સુધી શુભ ચોઘડિયું રહેશે. જે લોકો દિવસે ખરીદી ન કરી શકે તેમના માટે રાત્રે 9:00 થી 10:30 વાગ્યા સુધીનો સમય અનુકૂળ રહેશે.
શું ખરીદવું?
ધનતેરસે સોનું અને ચાંદી ખરીદવા લક્ષ્મીજીની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. પિત્તળ કે તાંબાના વાસણો ખરીદવા પણ શુભ ગણાય છે, કારણ કે સમુદ્ર મંથન વખતે ભગવાન ધનવંતરી અમૃતકુંભ સાથે પ્રગટ થયા હતા. આ ઉપરાંત સાવરણી ખરીદવી અને આખા ધાણા ખરીદીને દિવાળીની પૂજામાં અર્પણ કરવાની પરંપરા પણ છે.
ઉલ્લેખનીય છે કે આ તારીખો, સમય અને ચોઘડિયાની ગણતરી પંચાંગ પર આધારિત છે અને સ્થળ તથા પંચાંગ મુજબ તેમાં થોડો ફરક પડી શકે છે. ખરીદી કે પૂજા પહેલાં સ્થાનિક પંચાંગ કે જ્યોતિષી સાથે ખાતરી કરી લેવી યોગ્ય રહેશે.