દીપોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે. 6 નવેમ્બર 2026ને શુક્રવારે ધનતેરસ છે. હિન્દુ પંચાંગ મુજબ, શુક્રવારે ઉદીત તિથિ પ્રમાણે સવારે 10:32 વાગ્યા સુધી આસો વદ બારસ રહેશે. ત્યારબાદ ધનતેરસનો પ્રારંભ થશે, જે 7 નવેમ્બરની સવારે 10:47 સુધી રહેશે. તેથી બંને દિવસ ખરીદી કરી શકાશે. જોકે, લક્ષ્મી-કુબેર પૂજા અને યમદીપદાન 6 નવેમ્બરની સાંજે થશે.
આ દિવસથી દિવાળીના ધાર્મિક અનુષ્ઠાનો શરૂ થાય છે. આ દિવસે ધન્વંતરિ જયંતી પણ ઉજવાય છે. વેપારીઓ માટે નવા વર્ષના ધંધાકીય ચોપડા ખરીદવા, ગાદી બિછાવવા અને સોનું-ચાંદી જેવી કિમતી ધાતુની ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે.
જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા મુજબ, આ દિવસે દરેક રાશિના જાતકો માટે પોતાની રાશિ પ્રમાણે ખરીદી કરવી લાભદાયી રહેશે.
ધનતેરસથી ત્રણ રાત્રીના અનુષ્ઠાનની શરૂઆત થાય છે, તેથી તે દિવાળીના પહેલાંનો મોટો તહેવાર છે. સ્કંદ પુરાણમાં દિવાળી સાથે જોડાયેલા અનુષ્ઠાનોનો ક્રમ જણાવવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે, ત્રયોદશી એટલે કે ધનતેરસની સવારે સ્નાન કરીને ભગવાનનું સ્મરણ કરીને અનુષ્ઠાનનો સંકલ્પ લેવો જોઈએ. આ જ દિવસે સાંજે યમરાજ માટે દીપદાન કરવું જોઈએ.
ચતુર્દશીના દિવસે વિશેષ સ્નાન અને અમાવસ્યાના દિવસે લક્ષ્મી પૂજા કરવી જોઈએ. આ રીતે ધનતેરસ દીપોત્સવના મહત્ત્વપૂર્ણ ધાર્મિક કાર્યોની શરૂઆત સાથે જોડાયેલો દિવસ છે. આ દિવસે ધન્વંતરિ જયંતી, લક્ષ્મી-કુબેર પૂજા અને નવી વસ્તુઓની ખરીદી કરવાની પરંપરા છે. તેથી ધનતેરસે ધન-સમૃદ્ધિ, આરોગ્ય અને પરિવારની લાંબી આયુષ્ય માટે કામના કરવામાં આવે છે.
ધનતેરસે ધન્વંતરિ જયંતી ઉજવવામાં આવે છે.
શ્રીસૂક્તમાં સોના-ચાંદીથી સજ્જ લક્ષ્મી, 200 વર્ષ પહેલાં પણ ધનતેરસ પર સિક્કાઓની પૂજાની પરંપરા
શ્રીસૂક્તના પ્રથમ મંત્રમાં દેવી લક્ષ્મીને સોના જેવી આભા ધરાવતાં અને સુવર્ણ-રજતનાં આભૂષણોથી સજ્જ દર્શાવવામાં આવ્યાં છે. બીજા મંત્રમાં એવાં લક્ષ્મીનાં આગમન માટે પ્રાર્થના કરવામાં આવી છે, જેમની કૃપાથી સોનું, ગાય, ઘોડા અને પરિવારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય.
બ્રિટિશ ઇતિહાસકાર જેમ્સ ટોડે 1832માં પોતાના પુસ્તક 'એનાલ્સ એન્ડ એન્ટિક્વિટીઝ ઑફ રાજસ્થાન'માં લખ્યું છે કે, આસો કૃષ્ણ ત્રયોદશીના દિવસે લોકો સિક્કાઓને દેવી લક્ષ્મીનું પ્રતીક માનીને તેમની પૂજા કરતા હતા. આ પરંપરા ખાસ કરીને વેપારી સમુદાયમાં પ્રચલિત હતી. ટોડે 1818થી 1822 દરમિયાન રાજપૂતાના પરંપરાઓનો અભ્યાસ કર્યો હતો. આથી જાણવા મળે છે કે, લગભગ બે સદી પહેલાં પણ ધનતેરસ પર ધનની પૂજા મહત્વપૂર્ણ હતી.
200 વર્ષ પહેલાં પણ ધનતેરસે લક્ષ્મી પૂજાનો ઉલ્લેખ જોવા મળે છે.
સમુદ્ર મંથન પહેલાં લક્ષ્મી પ્રગટ થયાં, ત્યારબાદ ધન્વંતરિ અમૃતકળશ લઈને બહાર આવ્યા
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા છે. દેવતાઓ અને અસુરોએ અમૃત માટે ક્ષીરસાગરનું મંથન કર્યું. તે પહેલાં સુરભિ ગાય, ઉચ્ચૈઃશ્રવા ઘોડો, ચાર દાંતવાળો ઐરાવત હાથી, કૌસ્તુભ અને પદ્મરાગ મણિ, પારિજાત તેમજ અપ્સરાઓ પ્રગટ થયાં. ત્યારબાદ દેવી લક્ષ્મી પ્રગટ થયાં. ઇન્દ્રે તેમના માટે આસન આપ્યું. નદીઓ સોનાના કળશોમાં જળ લઈને આવી. ઋષિઓએ વૈદિક મંત્રો સાથે તેમનો અભિષેક કર્યો અને દિશાઓના હાથીઓએ પણ દેવીને સ્નાન કરાવ્યું. ત્યારબાદ લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે પસંદ કર્યા.
દેવ-દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથનમાંથી 14 રત્નો બહાર નીકળ્યાં હતાં.
મંથન આગળ વધ્યું, ત્યારે ધન્વંતરિ પ્રગટ થયા. તેમણે પીળાં વસ્ત્રો અને આભૂષણો પહેર્યા હતા. તેમના હાથમાં અમૃતથી ભરેલું પાત્ર હતું. ગ્રંથમાં તેમને આયુર્વેદના જ્ઞાતા તરીકે જણાવવામાં આવ્યા છે. અસુરોએ તેમની પાસેથી અમૃતકળશ છીનવી લીધો અને તેને સૌપ્રથમ મેળવવા માટે પરસ્પર ઝઘડવા લાગ્યા. ત્યારબાદ વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત અપાવ્યું. તેથી ધનતેરસના દિવસે ધન્વંતરિ જયંતી મનાવવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના સાથે તેમની પૂજા કરવામાં આવે છે.
સમુદ્રમંથનમાંથી નીકળેલા લક્ષ્મી પૂજા સાથે જોડાયેલા 7 શુભ પ્રતીકો
1. હાથી: સમુદ્રમંથનમાંથી નીકળ્યા, લક્ષ્મીજીનો જલાભિષેક કર્યો
સમુદ્રમંથનમાંથી ચાર દાંત ધરાવતો સફેદ ઐરાવત અને આઠેય દિશાઓના હાથી પ્રગટ થયા. લક્ષ્મીજી પ્રગટ થયાં, ત્યારે દરેક દિશાના હાથીઓએ જળથી ભરેલા કળશથી દેવીનો અભિષેક કર્યો. આ સાથે ગજલક્ષ્મી સ્વરૂપ પણ જોડાયેલું છે. તેમાં દેવીની બંને બાજુ હાથી જોવા મળે છે. હાથીને રાજવૈભવ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
2. કમળ: લક્ષ્મીજીના હાથમાં હતું, બ્રહ્માજીએ પણ અર્પણ કર્યું
સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલાં લક્ષ્મીજીનાં હાથમાં કમળ હતું. બ્રહ્માજી...