સત્ય. સાહસ. સંકલ્પ.

ધનરાજ નથવાણીની સંપત્તિ: ₹10 કરોડની FD, ₹55 કરોડના બોન્ડ, SP તરફથી રાજ્યસભા ઉમેદવારી

ધનરાજ નથવાણીની સંપત્તિ: ₹10 કરોડની FD, ₹55 કરોડના બોન્ડ, SP તરફથી રાજ્યસભા ઉમેદવારી

ઉત્તર પ્રદેશમાં યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી (SP)એ ધનરાજ નથવાણીને ઉમેદવાર બનાવ્યા છે. ધનરાજ નથવાણી ભાજપના વરિષ્ઠ નેતા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલ નથવાણીના પુત્ર છે. પિતા એનડીએના સમર્થનથી ચોથી વખત રાજ્યસભામાં પહોંચ્યા છે, જ્યારે પુત્ર SPની ટિકિટ પર ઉપલા ગૃહમાં પ્રવેશવાની તૈયારીમાં છે.

ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં ધનરાજ નથવાણીએ તેમની સંપત્તિની વિગતો આપી છે. તેમની પાસે ₹10,62,98,969ની ફિક્સ ડિપોઝિટ (FD) છે. આ ઉપરાંત, તેમણે વિવિધ બોન્ડ્સમાં ₹55,75,56,450નું રોકાણ કર્યું છે.

સોગંદનામા મુજબ છેલ્લા પાંચ વર્ષની તેમની વાર્ષિક આવક નીચે મુજબ છે:

  • 2026-27: ₹19,61,34,170
  • 2025-26: ₹7,27,36,890
  • 2024-25: ₹6,06,058,120
  • 2023-24: ₹5,37,47,880
  • 2022-23: ₹5,50,53,580

ધનરાજ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમની જવાબદારીમાં કંપનીના જામનગર મેન્યુફેક્ચરિંગ ડિવિઝન અને ગુજરાતમાં જિયો (Jio)ના સંચાલનનો સમાવેશ થાય છે.

કોર્પોરેટ ક્ષેત્ર ઉપરાંત રમતગમત અને ધાર્મિક સંસ્થાઓમાં પણ તેઓ જોડાયેલા છે. નવેમ્બર 2022માં તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અગાઉ તેમના પિતા પરિમલ નથવાણી આ સંસ્થામાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નિર્માણ અને વિકાસમાં તેમનું યોગદાન રહ્યું છે.

તેઓ દ્વારકાધીશ મંદિર વહીવટી સમિતિના ઉપપ્રમુખ છે. ઉપરાંત, નાથદ્વારા મંદિર બોર્ડ અને ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડના સભ્ય છે. શિક્ષણ ક્ષેત્રે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા છે.