સત્ય. સાહસ. સંકલ્પ.

ધંધુકા હાઈવે પર ડમ્પર-કાર અકસ્માત: કારમાં આગ લાગતાં ચાલકનું મોત

ધંધુકા હાઈવે પર ડમ્પર-કાર અકસ્માત: કારમાં આગ લાગતાં ચાલકનું મોત

અમદાવાદ જિલ્લાના ધંધુકા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં આગ લાગતાં કારચાલકનું જીવતા બળી જવાથી મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ ધંધુકાના રહેવાસી સંજય કણજારિયા તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધંધુકા હાઈવે પર પસાર થઈ રહેલી કારને પૂરઝડપે આવી રહેલા ડમ્પરચાલકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત સર્જાતાં જ કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે કારચાલકને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો, જેના કારણે કારની અંદર જ તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ધંધુકા પોલીસ સ્ટેશનનો કાફલો અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવાયા બાદ અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી ખસેડીને વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ડમ્પરચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.