સત્ય. સાહસ. સંકલ્પ.

ઢાકા એરપોર્ટ નજીક બે બોમ્બ વિસ્ફોટ, 3 રાહદારી ઘાયલ; બાંગ્લાદેશમાં સુરક્ષા કડક

ઢાકા એરપોર્ટ નજીક બે બોમ્બ વિસ્ફોટ, 3 રાહદારી ઘાયલ; બાંગ્લાદેશમાં સુરક્ષા કડક

બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે રાજધાની ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સોમવારે રાત્રે બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં ત્રણ રાહદારીઓને સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અજાણ્યા શખ્સોએ ફ્લાયઓવર પરથી બોમ્બ ફેંક્યા હતા.

પહેલો વિસ્ફોટ એરપોર્ટના બહારના ગેટ પાસે અને બીજો જસીમુદ્દીન વિસ્તારના ફ્લાયઓવર નજીક થયો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પ્રભારી કમરુલ ઈસ્લામ તાલુકદારે જણાવ્યું કે આ કૃત્ય અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવ્યું હોઈ શકે છે. જોકે, આ ધડાકાઓનો સંબંધ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સંભવિત વાપસી સાથે છે કે નહીં, તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના બાદ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, શેખ હસીના ડિસેમ્બરમાં દેશ પરત ફરે તેવી અટકળો વચ્ચે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસાની ઘટનાઓ વધી છે. દેશના વિવિધ ભાગોમાં ટ્રેનો, બસો અને બેંકોને નિશાન બનાવી તોડફોડ અને આગચંપી કરવામાં આવી રહી છે. પોલીસે આ હિંસા માટે પ્રતિબંધિત પક્ષ અવામી લીગના કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ મહાનિર્દેશક મોહમ્મદ અલી હુસૈન ફકીરે દેશના તમામ 64 જિલ્લાના પોલીસ વડાઓને તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. સમગ્ર દેશમાં ગુપ્તચર દેખરેખ પણ વધારી દેવામાં આવી છે.

શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં 10 નવેમ્બરથી સતત અથડામણ અને પોલીસ વાહનો સળગાવવાની ઘટનાઓ બની રહી છે. આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગોપાલગંજમાં અંદાજે 2,000 પોલીસકર્મીઓ, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની 10 ટુકડીઓ અને સ્પેશિયલ રિસ્પોન્સ બટાલિયન (SRB)ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઢાકા રેન્જના ડીઆઈજી મોહમ્મદ મુસ્તફિઝુર રહેમાને જણાવ્યું કે પદ્મા બ્રિજ, હાઇવે અને શહેરી માર્ગો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બીજી તરફ, 79 વર્ષીય શેખ હસીનાએ ગયા અઠવાડિયે નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનને ઈમેઇલ કરીને નવા પાસપોર્ટ અને નેશનલ આઇડેન્ટિટી કાર્ડ માટે અરજી કરી હતી, જેને તેમની વાપસીની તૈયારી માનવામાં આવે છે. ઑગસ્ટ 2024ના વિદ્યાર્થી આંદોલન બાદ ભારત આવેલા હસીનાને બાંગ્લાદેશની એક વિશેષ ટ્રિબ્યુનલે તેમની ગેરહાજરીમાં મોતની સજા સંભળાવી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેમને ભાગેડુ ગણાવી કોઈ પણ પ્રવાસ દસ્તાવેજ આપવાનો ઈનકાર કર્યો છે. ભારતે હસીનાના પ્રત્યર્પણ અંગે બાંગ્લાદેશની વિનંતી મળી હોવાની પુષ્ટિ કરી છે અને નિયમાનુસાર તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.

રાજકીય અશાંતિની સાથે બાંગ્લાદેશમાં ઔદ્યોગિક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ઢાકાના મીરપુર વિસ્તારમાં ગારમેન્ટ ફેક્ટરીના કામદારો લઘુત્તમ વેતન વધારીને 30,000 ટકા કરવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. દેખાવકારોએ રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું.