ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં UDYAM-2026 ઔદ્યોગિક પ્રદર્શનનો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં 500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે અને એક લાખથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે.
દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL)એ સાંજે 8 કલાકનો વીજકાપ રદ કર્યો છે. ઔદ્યોગિક ફીડરોમાં વીજપુરવઠો રાબેતા મુજબ ચાલુ રહેશે. અગાઉના પાવરકટથી ટેક્સટાઇલ ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
અમદાવાદમાં દિવાળી પહેલાં અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થયો છે, જેનાથી નવો ભાવ ₹98.47 થઈ ગયો છે. ભાવવધારાથી રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હારીજમાં દશેરાની રાત્રે 11 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 20 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. પોલીસે POCSO હેઠળ ગુનો નોંધ્યો છે. માઈકમાં બાળકીનું નામ જાહેર થતાં આરોપી ભાગી ગયો હતો.
સમી-રાધનપુર હાઈવે પર સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં રાજસ્થાનના માતા-પુત્રનાં મોત થયાં છે, જ્યારે બે બાળકો સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. દ્વારકાનાં દર્શન કરી ભાભર દીકરીને મળવા જતો પરિવાર આ અકસ્માતનો ભોગ બન્યો હતો.
ધારીના ગોવિંદપુરમાં SBI બેંકમાં ગોલ્ડ લોનના ઘરેણાં છોડાવવા વારસદારોની સહી માગતાં યુવકે કુહાડીથી તોડફોડ કરી છે. આ ઘટનામાં બેંકને ₹2.30 લાખનું નુકસાન થયું છે. આરોપી સિદ્ધાર્થ સતાસીયાએ મેનેજર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય SOGએ માન્ય ડિગ્રી કે લાઇસન્સ વિના સારવાર કરતા 17 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. જેમાં 10થી 12 પાસ શખસો પણ સામેલ છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ‘સાહસ પ્રીમિયમ કાઉ ઘી’ના નામે વેચાતું 900 કિલો નકલી ઘી લેબોરેટરી ટેસ્ટમાં ભેળસેળયુક્ત સાબિત થયું છે. આ ઘી માત્ર ₹300 પ્રતિ કિલોના ભાવે વેચાણ થતું હતું. ડાલડા અને સોયાબીન તેલમાં ફ્લેવર ભેળવી નકલી ઘી બનાવાતું હતું.
અમદાવાદના કર્ણાવતી ચાર રસ્તા પાસે પૂરઝડપે આવતી BMW કારે એક્ટિવા, રિક્ષા અને અન્ય કારને ટક્કર મારતાં બે ભાઈઓ સહિત ત્રણ લોકોને ઈજા થઈ છે. લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો હતો.
સુરત રેલવે સ્ટેશન પર TTEનો વેશ ધારણ કરી પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેનમાં મુસાફરોની ટિકિટ ચેક કરતો નકલી TTE સમીઉલ્લાહ શેખ ઝડપાયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. GRP અને RPFએ રેલવે અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.