સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત સામેની વન-ડે સિરીઝમાંથી કોનવે બહાર, ટ્રેનિંગ દરમિયાન માથામાં ઈજા; નિક કેલી ટીમમાં સામેલ

ભારત સામેની વન-ડે સિરીઝમાંથી કોનવે બહાર, ટ્રેનિંગ દરમિયાન માથામાં ઈજા; નિક કેલી ટીમમાં સામેલ

ભારત સામેની વન-ડે સિરીઝ વચ્ચે ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓપનર ડેવોન કોનવે માથામાં થયેલી ઈજા (કન્કશન)ને કારણે બાકીની ચારેય મેચમાંથી બહાર થઈ ગયો છે.

મંગળવારે પ્રથમ વન-ડે પહેલાં ટ્રેનિંગ સેશન દરમિયાન તેના માથામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને ઑકલેન્ડના મેડિકલ સેન્ટરના ઇમર્જન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ ગુરુવારે કોનવેના સિરીઝમાંથી બહાર થવાની પુષ્ટિ કરી હતી. તેની જગ્યાએ ડાબોડી બેટર નિક કેલીને ટીમમાં સામેલ કર્યો છે.

નિક કેલી પહેલેથી જ ટીમનો ભાગ હતો. નિક કેલીની પસંદગી સિરીઝની ચોથી અને પાંચમી વન-ડે માટે પહેલેથી જ ટીમમાં કરવામાં આવી હતી. હવે તે બાકીની મેચ માટે પણ ઉપલબ્ધ રહેશે. કોનવેની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડના ટૉપ ઓર્ડરમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. નિક કેલી ન્યૂઝીલેન્ડ માટે 8 વન-ડે મેચ રમી ચૂક્યો છે.

ટ્રેનિંગ દરમિયાન કોનવે અને ઝડપી બોલર મેટ હેનરી એકબીજા સાથે અથડાઈ ગયા હતા. ત્યારબાદ હેનરીની પણ કન્કશન તપાસ કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા અનુસાર, તેની તપાસનો રિપોર્ટ સામાન્ય રહ્યો છે અને મેડિકલ ટીમે તેને રમવાની મંજૂરી આપી છે. હેનરી હવે બીજી વન-ડે માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

નિક કેલીને મુખ્ય વન-ડે ટીમમાં સામેલ કર્યા બાદ ઑકલેન્ડ એસેસના બેટર ડેલ ફિલિપ્સને ન્યૂઝીલેન્ડ-A ટીમમાં સ્થાન આપ્યું છે. ફિલિપ્સ શનિવારથી શરૂ થનારી ઈન્ડિયા-A સામેની છેલ્લી ચાર દિવસીય અન-ઑફિશિયલ ટેસ્ટ મેચમાં રમશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ શનિવારે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ વન-ડેમાં જીત બાદ ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે.

ન્યૂઝીલેન્ડ માટે કોનવેની ગેરહાજરી ટૉપ ઓર્ડરમાં ફેરફારનો પડકાર રહેશે. બીજી બાજુ, નિક કેલીને ટીમમાં સામેલ કરવાથી બેટિંગ માટે એક નવો વિકલ્પ મળ્યો છે.