સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતી દિગ્દર્શક કર્તવ્ય શાહનું હિન્દી ડેબ્યૂ: 'દેવી વિજ્ઞાનમ'નું ટ્રેલર રિલીઝ

ગુજરાતી દિગ્દર્શક કર્તવ્ય શાહનું હિન્દી ડેબ્યૂ: 'દેવી વિજ્ઞાનમ'નું ટ્રેલર રિલીઝ

ગુજરાતી ફિલ્મો 'ધુમ્મસ' અને 'ત્રેપ્પનમું પાનું'ના નિર્દેશક કર્તવ્ય શાહ હવે હિન્દી સિનેમામાં પ્રવેશ કરી રહ્યા છે. તેમની પહેલી હિન્દી ફિલ્મ 'દેવી વિજ્ઞાનમ'નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ગુજરાતી કલાકારો ચેતન ધાનાણી ('રેવા' ફેમ) અને પૂજા જોશી ('ચટણી' ફેમ) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ આસ્થા અને વિજ્ઞાન વચ્ચેના સંબંધને રહસ્ય અને રોમાંચ સાથે રજૂ કરે છે. ટ્રેલરની શરૂઆત એક શિક્ષક (ચેતન ધાનાણી)થી થાય છે, જે ભણતરને ભગવાનથી પણ વધુ મહત્ત્વ આપે છે. તેની પત્ની (પૂજા જોશી)ને ભગવાનમાં અસીમ શ્રદ્ધા છે. ટીકુ તલસાણિયા ચેતનના પિતા તરીકે મૂર્તિકાર છે, જે ઈશ્વરને જ સર્વસ્વ માને છે.

ચેતન અને પૂજા નિઃસંતાન છે. સમાજ તેમને ટોણા મારે છે, જેનાથી પૂજા ભાંગી પડે છે. એક મહિલા પૂજાને કહે છે કે દેવ પ્રયાગમાં પહાડ પર કરણી માતાનું મંદિર છે, જે ખૂબ પ્રતાપી છે. મેડિકલ સાયન્સ પણ સંતાન પ્રાપ્તિમાં મદદ કરી શકતું ન હોવાથી પૂજાની આસ્થા માતા તરફ દોરાય છે. તે પતિને મંદિર જઈને બાધા પૂરી કરવાનું કહે છે, પણ પતિ વિજ્ઞાનને સર્વોપરી માને છે અને ના પાડી દે છે.

આ સમયે વિલન કે. આર્યવર્ધનની એન્ટ્રી થાય છે, જે સત્તા અને સંપત્તિને સર્વોપરી માને છે. વાર્તામાં કરણી માતાના મંદિરની જમીન માટે કાયદાકીય લડાઈ શરૂ થાય છે, જેને ટીકુ તલસાણિયા ધર્મયુદ્ધ ગણાવે છે. જીવનમાં આવેલી અણધારી ઘટનાઓ ચેતનનો દૃષ્ટિકોણ બદલી નાખે છે. તેની યાત્રા અવિશ્વાસથી આસ્થા અને અધર્મથી ધર્મ તરફના પરિવર્તનને દર્શાવે છે.

ફિલ્મ 'દેવી વિજ્ઞાનમ' કિંગ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની છે. તેમાં મેહુલ બુચ, આલોક ઠાકર અને રચના પકઈ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ થશે.