તમિલનાડુના દેવેન્દ્રકુલ વેલ્લાલર (DKV) સમાજે અનુસૂચિત જાતિ (SC) શ્રેણીમાંથી બહાર નીકળીને પોતાની સાંસ્કૃતિક ઓળખ અને સામાજિક સન્માન પાછું મેળવવા માટે એક અનોખી લડત શરૂ કરી છે. આ સમાજનું કહેવું છે કે અનામતથી મળતા આર્થિક લાભ કરતાં આત્મસન્માન વધુ મહત્ત્વનું છે. તેથી તેઓ પહેલા OBC શ્રેણીમાં અને ત્યારબાદ સામાન્ય શ્રેણીમાં જોડાવા માંગે છે.
આજે દેશમાં સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતનો લાભ લેવા માટે ઘણા સમાજો પોતાને પછાત સાબિત કરવાની હોડમાં લાગ્યા છે. ગુજરાતમાં પણ SC, ST કે OBC શ્રેણીમાં સમાવેશ માટે આંદોલનો થતાં રહ્યાં છે. પરંતુ તમિલનાડુના DKV સમાજની માંગણી વિરુદ્ધ દિશામાં છે — તેઓ SC યાદીમાંથી નામ કાઢી નાખવાની માંગ કરી રહ્યા છે.
દેવેન્દ્રકુલ વેલ્લાલર સમાજ તમિલનાડુનો એક પ્રાચીન ખેડૂત સમુદાય છે. લોકવાયકા મુજબ તેઓ દેવોના રાજા ઇન્દ્ર (દેવેન્દ્ર)ના વંશજ મનાય છે, જ્યારે 'વેલ્લાલર' શબ્દ ખેતી સાથે સંકળાયેલો છે. તમિલનાડુની કુલ વસ્તીમાં તેમનો હિસ્સો 5%થી 9% છે, જ્યારે રાજ્યની કુલ SC વસ્તીમાં તેઓ લગભગ 20% છે. તેઓ મદુરાઈ, રામનાથપુરમ, થૂથુકુડી, તિરુનેલવેલી અને વિરુધુનગર જેવા દક્ષિણ તમિલનાડુના વિસ્તારોમાં વસે છે. તેમનું 'પલ્લુ' સાહિત્ય 300 વર્ષથી વધુ જૂનું છે અને મદુરાઈના વિશ્વપ્રસિદ્ધ મીનાક્ષી અમ્મન મંદિર સહિત 436 મંદિરોમાં તેમને પરંપરાગત પૂજાના વિશેષ અધિકારો પ્રાપ્ત છે.
ઇતિહાસકારોના મતે, આ સમુદાય એક સમયે વિશાળ જમીનનો માલિક હતો. પરંતુ 18મી સદીના અંતમાં બ્રિટિશ શાસકોએ જમીન સર્વેક્ષણ દરમિયાન તેમની જમીનો છીનવી લીધી. તેઓ ખેતમજૂર બની ગયા અને તેમને અસ્પૃશ્ય ગણીને મુખ્ય ગામોથી દૂર વસાવવામાં આવ્યા. આ સમુદાયે 1957ના મુદુકુલાથુર રમખાણો, 1968માં 44 લોકોને જીવતા સળગાવી દેવાની ઘટના તથા 1995, 1999 અને 2011માં પોલીસ ગોળીબારનો સામનો કર્યો છે. આ ઘટનાઓએ તેમને પોતાની રાજકીય શક્તિ ઊભી કરવા મજબૂર કર્યા, કારણ કે તેમને સમજાયું કે પ્રસ્થાપિત પક્ષો તેમનું રક્ષણ કરી શકતા નથી.
વર્ષ 1996થી 'પુથિયા તમિલગમ' પાર્ટીના સ્થાપક ડૉ. કે. કૃષ્ણસામી આ સમુદાયને SC શ્રેણીમાંથી બહાર કાઢવાની માંગ કરતા આવ્યા છે. સમાજના નેતાઓનું માનવું છે કે અનામતથી થોડા લોકોને સરકારી નોકરી મળે છે, પરંતુ 'SC'નું લેબલ સામાજિક કલંક બનીને સર્વાંગી વિકાસને રોકે છે. અમેરિકામાં 22 વર્ષ એન્જિનિયર તરીકે કામ કરી ચૂકેલા સમાજના નેતા અનંતન અય્યાસામી કહે છે, "આર્થિક લાભ કરતાં આત્મસન્માન વધુ મહત્ત્વનું છે. આજે પણ જો કોઈ યુવાન પોતાનો નવો ધંધો કે રેસ્ટોરન્ટ શરૂ કરે, તો જ્ઞાતિની ઓળખ થતાં જ લોકો ત્યાં જવાનું ટાળે છે. સરકારી કોન્ટ્રાક્ટ્સમાં પણ OBC વર્ગનું વર્ચસ્વ છે, જ્યારે SC શ્રેણીના કોન્ટ્રાક્ટરો ભાગ્યે જ આગળ વધી શકે છે."
આ સમાજની વ્યૂહરચના એવી છે કે તેઓ સીધા સામાન્ય શ્રેણીમાં જવાને બદલે પહેલા 10થી 15 વર્ષ માટે OBC શ્રેણીમાં સામેલ થવા માંગે છે, જેથી ધીમે ધીમે આત્મનિર્ભર બનીને સામાન્ય શ્રેણીમાં સ્થાન મેળવી શકાય. આ સમુદાય SC/ST અત્યાચાર નિવારણ કાયદાનો પણ બહિષ્કાર કરી રહ્યો છે.