સત્ય. સાહસ. સંકલ્પ.

કલ્યાણપુરના મંદિરમાં ગાંજાનું વાવેતર: પૂજારીની ધરપકડ, 6 લાખનો મુદ્દામાલ જપ્ત

કલ્યાણપુરના મંદિરમાં ગાંજાનું વાવેતર: પૂજારીની ધરપકડ, 6 લાખનો મુદ્દામાલ જપ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં પોલીસે એક મંદિરના પટાંગણમાં ગાંજાનું વાવેતર કરવાના આરોપમાં 64 વર્ષીય પૂજારીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે રૂ. 6,07,000નો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે કલ્યાણપુરથી લગભગ 42 કિલોમીટર દૂર આવેલા મેવાસા ગામની સીમમાં ભોપા મઢી વિસ્તારમાં સાત લુહારી માતાજીના મંદિરના પટાંગણમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં મંદિરમાં સેવા-પૂજા કરતા મેરામણ સાજણ ગાધેર નામના પૂજારીએ મંદિરના પરિસરમાં ગાંજાના છોડ વાવ્યા હોવાનું અને સૂકો ગાંજો વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે મંદિર નજીકના રૂમમાં રહેતા એક સાધુ સાથે મળીને તેઓ ગાંજાની ચલમ પીતા હતા. સાધુ પાસેનો ગાંજો ખતમ થતાં, તેમણે સાધુ પાસેના ગાંજાના બીજ મંદિરના પટાંગણમાં ફૂલછોડ વચ્ચે લગભગ દસ દિવસ પહેલા વાવ્યા હતા. તેઓ ગાંજાનું સેવન કરવા ઉપરાંત પોતાનો ખર્ચ કાઢવા માટે મજૂરો અને અન્ય લોકોને સૂકો ગાંજો વેચતા હોવાનું પણ તેમણે કબૂલ્યું છે.

પોલીસે આ મામલે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ પ્રકરણમાં અન્ય એક સાધુની સંડોવણી પણ સામે આવી છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ અને ગેરકાયદે વાવેતર સામે એન્ટી નાર્કોટિક્સ વિંગ સઘન અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે જ આ દરોડો પાડવામાં આવ્યો છે.