દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વન વિભાગ અને એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની સંયુક્ત ટીમે એક જ રાત્રિમાં બે મગર અને એક અજગરનું સફળ રેસ્ક્યૂ કર્યું છે. આ તમામ વન્યજીવોને બરડા ડુંગરના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા.
ભાણવડ પંથકના ખરાવાડ અને રૂપામોરા વિસ્તારમાંથી બે મગર મળી આવ્યા હતા, જ્યારે ભેનકવડ ગામમાંથી એક અજગર પકડાયો હતો. આ વન્યજીવો રહેણાક વિસ્તારોમાં આવી જતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ટ્રસ્ટના જાણીતા રેસ્ક્યૂઅર અશોક ભટ્ટની ટીમ અને વન વિભાગના ટ્રેકર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ ત્રણેય વન્યજીવોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આ વન્યજીવોને તરત જ બરડા ડુંગરમાં મુક્ત કરવામાં આવ્યા હતા. ટીમની આ ત્વરિત કાર્યવાહી બદલ સ્થાનિક રહીશોએ આભાર વ્યક્ત કર્યો હતો.
બીજી ઘટનામાં, ખંભાળિયા તાલુકાના સુતરીયા ગામે એક રહેણાક વાડીમાં અંદાજે 10 ફૂટ લાંબો મહાકાય અજગર ચડી આવ્યો હતો. વાડીમાં અજગર જોતાં જ સ્થાનિક ખેડૂતે તરત જ ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. સંસ્થાના સેવકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.
રેસ્ક્યૂ દરમિયાન જાણવા મળ્યું કે અજગરે અગાઉ ઢેલનો શિકાર કર્યો હતો. અજગરના પેટમાંથી ઢેલનો મૃતદેહ બહાર નીકળતાં ઘટનાસ્થળે હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. અંદાજે 10 ફૂટ લાંબા આ અજગરને કોઈપણ પ્રકારની ઈજા ન થાય અને આસપાસના લોકોની સુરક્ષા જળવાઈ રહે તે રીતે સેવકોએ ખૂબ સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ખંભાળિયા પંથકમાં રહેણાક વિસ્તારો તેમજ વાડી-ખેતરોમાં અવારનવાર સાપ સહિતના વન્યજીવો જોવા મળતા હોય છે. આવી પરિસ્થિતિમાં લોકોએ ગભરાઈને વન્યજીવને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને તાત્કાલિક સક્ષમ રેસ્ક્યૂ ટીમને જાણ કરવી જોઈએ.