દેવ આનંદની 103મી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણીએ. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1923ના રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ધર્મદેવ પિશોરીમલ આનંદ તરીકે થયો હતો. તેમના પિતા પિશોરી લાલ આનંદ વકીલ હતા અને સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા હતા. દેવ આનંદ ચાર ભાઈઓમાં ત્રીજા હતા. તેમના ભાઈ ચેતન આનંદ અને વિજય આનંદ પણ ફિલ્મ જગત સાથે જોડાયેલા રહ્યા, જ્યારે તેમની બહેન શીલ કાંતા કપૂર ફિલ્મ ડિરેક્ટર શેખર કપૂરના માતા હતાં.
તેમણે પ્રાથમિક અભ્યાસ ડેલહાઉઝીની સેક્રેડ હાર્ટ સ્કૂલમાંથી કર્યો અને ત્યારબાદ લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું. દેવ આનંદ આગળ ભણવા માંગતા હતા અને ઉચ્ચ શિક્ષણ માટે લંડન જવાનું સપનું જોતા હતા, જ્યારે તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ કોઈ બેંકમાં નોકરી કરી લે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેમનો આગળનો ભણતરનો ખર્ચ ઉઠાવી શકાય. પિતાએ સ્પષ્ટ કહી દીધું કે, હવે તેમના અભ્યાસ માટે પૈસા નથી.
આ પછી દેવ આનંદે નક્કી કર્યું કે જો જીવનમાં સંઘર્ષ કરવો જ છે, તો શા માટે પોતાના બાળપણના સપના એટલે કે એક્ટિંગ માટે સંઘર્ષ ન કરવામાં આવે. આ સપનું પૂરું કરવા માટે જૂન 1943માં તેઓ લાહોરથી ટ્રેન પકડીને મુંબઈ જવા નીકળી પડ્યા. શરૂઆતમાં તેમને કામ ન મળ્યું અને પૈસા ખૂટી ગયા, ત્યારે તેમણે ચર્ચગેટ સ્થિત મિલિટરી સેન્સર ઓફિસમાં 65 રૂપિયા માસિક પગાર પર નોકરી કરી. બાદમાં એક અકાઉન્ટિંગ ફર્મમાં 85 રૂપિયાના પગારે ક્લાર્ક તરીકે પણ કામ કર્યું. અભિનેતા બનવાની ઈચ્છા તેમને અશોક કુમારની ફિલ્મોથી થઈ.
મિલિટરી સેન્સર ઓફિસમાં લગભગ એક વર્ષ સુધી નોકરી કર્યા બાદ દેવ આનંદ પોતાના મોટા ભાઈ ચેતન આનંદ પાસે જતા રહ્યા. ચેતન તે સમયે ભારતીય જન નાટ્ય સંઘ એટલે કે ઇપ્ટા સાથે જોડાયેલા હતા. તેમણે નાના ભાઈને પણ પોતાની સાથે જોડી લીધો. અહીંથી દેવ આનંદને થિયેટરમાં કામ કરવાની અને અભિનય શીખવાની તક મળી. ત્યારબાદ નસીબે પણ સાથ આપ્યો. વર્ષ 1946માં તેમને પ્રભાત ટૉકીઝની ફિલ્મ ‘હમ એક હૈં’માં કામ કરવાની તક મળી.
ફિલ્મ ‘હમ એક હૈં’માં દેવ આનંદ હીરો તરીકે કામ કરી રહ્યા હતા, જ્યારે ગુરુ દત્ત ત્યાં સહાયક ડિરેક્ટર અને કોરિયોગ્રાફર તરીકે કામ કરી રહ્યા હતા. સ્ટુડિયોના તમામ લોકોનાં કપડાં એક જ ધોબી પાસે જતા હતા. એક દિવસ ધોબીથી એવી ભૂલ થઈ કે દેવ આનંદની સફેદ શર્ટ ગુરુ દત્તનાં કપડાં સાથે ચાલી ગઈ. ગુરુ દત્તે તે શર્ટ પહેરી લીધી અને સ્ટુડિયો પહોંચી ગયા. જ્યારે દેવ આનંદે પોતાની શર્ટ ગુરુ દત્તના શરીર પર જોઈ, ત્યારે બંનેનો સામનો થયો. પરંતુ શર્ટને લઈને કોઈ નારાજગી થઈ નહીં. બંને આ વિચિત્ર સંયોગ પર ખૂબ હસ્યા. આ નાનકડી ઘટના આગળ જતાં તેમની ગાઢ મિત્રતાની શરૂઆત બની.
દેવ આનંદ અને ગુરુ દત્તે ‘બાઝી’ (1951), ‘જાલ’ (1952) અને ‘સીઆઈડી’ (1956) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. દેવ આનંદે ગુરુ દત્તને ફિલ્મ ‘બાઝી’ના ડિરેક્શનનો મોકો આપ્યો. 1951માં રિલીઝ થયેલી આ ફિલ્મ ગુરુ દત્તની ડિરેક્ટર તરીકેની કારકિર્દીની મહત્વપૂર્ણ શરૂઆત બની અને દેવ આનંદ સાથેની તેમની મિત્રતા પણ સિનેમાના પડદા પર જોવા મળી. ફિલ્મ ‘જિદ્દી’એ દેવ આનંદની કારકિર્દીની દિશા બદલી નાખી. અશોક કુમારે તેમને આ ફિલ્મમાં કામ કરવાની તક આપી. ફિલ્મ સફળ રહી અને દેવ આનંદને ઓળખ મળી.