સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ નજીકના ખેતરોમાં દેશી આમળાની ભરપૂર ઉપજ, બજારોમાં હાઇબ્રિડનો દબદબો

અમદાવાદ નજીકના ખેતરોમાં દેશી આમળાની ભરપૂર ઉપજ, બજારોમાં હાઇબ્રિડનો દબદબો

અમદાવાદ નજીક ચિલોડા વિસ્તારના ખેતરોમાં શિયાળાની શરૂઆત સાથે દેશી આમળાના ઝાડ ફળથી લદાઈ ગયા છે. નાના ચિલોડાથી મોટા ચિલોડા સુધીના વિસ્તારમાં આવેલા આમળાના ઝાડ પર દેશી આમળાના ઝૂમખાં લટકી રહ્યાં છે. જોકે, આ ગુણકારી આમળા શહેરી બજારો સુધી પહોંચી શકતા નથી.

અમદાવાદની શાકભાજી મંડીઓમાં હાલ શિયાળાના કારણે આમળાની આવક થઈ રહી છે, પરંતુ તેમાં મોટાભાગના આમળા હાઇબ્રિડ જાતના હોય છે. ખેતરોમાં ઉગતા દેશી આમળા સ્થાનિક સ્તરે જ વેચાઈ જાય છે અથવા યોગ્ય માર્કેટિંગ અને સપ્લાય ચેઇનના અભાવે શહેરની મુખ્ય મંડીઓ સુધી પહોંચતા નથી. પરિણામે શહેરીજનોને હાઇબ્રિડ આમળાથી સંતોષ માનવો પડે છે.

આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશી આમળા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. તેમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને મોસમી બીમારીઓથી બચાવે છે. દેશી આમળામાં રહેલું ફાઇબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તે બ્લડ શુગર અને બોડી ફેટ કાબૂમાં રાખવામાં પણ ઉપયોગી માનવામાં આવે છે. આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં, ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધારીને ચહેરા પર કુદરતી ચમક લાવવામાં અને આયર્નનું શોષણ વધારીને વાળને મજબૂત બનાવવામાં ફાયદાકારક ગણાય છે.

હાઇબ્રિડ આમળા કદમાં મોટા અને ચમકદાર દેખાય છે, પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ દેશી આમળા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી ખરીદી કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી દેશી આમળા પસંદ કરવા જોઈએ. જો દેશી આમળા ન મળે તો હાઇબ્રિડ આમળા પણ લઈ શકાય, કારણ કે કંઈ ન ખાવા કરતાં થોડું ખાવું સારું છે.